સોનિયા ગાંધીને દિલ્હી જઈ મળ્યા ‘મહારાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય’ પણ પત્તા જ ના ખોલ્યા

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના સર્વેસર્વા શરદ પવારે આજે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ માનવામાં આવતુ હતુ કે શિવસેનાને સમર્થન મુદ્દે કોંગ્રેસ અને એનસીપી પોતાના પત્તા ખોલી શકે છે, પરંતુ આવુ થયુ નથી.

સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ શરદ પવારે મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને કહ્યું હતું કે, સરકાર રચવાની જવાબદારી શિવસેના અને ભાજપની છે.

મહારાષ્ટ્રમાં રાજકીય કોકડુ બરાબરનું ગુંચવાયુ છે. જેમને સ્પષ્ટ બહુમતિ મળી છે ભાજપ કે શિવસેના વચ્ચે ખટરાગ ઉભો થયો છે. બંનેમાંથી કોઈ પણ નમતુ જોખવા તૈયાર નથી. આ સ્થિતિમાં કોંગ્રેસ અને એનસીપી કિંગમેકરની ભૂમિકામાં છે. જેના ભાગરૂપે આગામી રણનીતિ ઘડવા એનસીપી અધ્યક્ષ શરદ પવાર દિલ્હી ખાતે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યાં હતાં. જોકે બંનેમાંથી કોઈએ પણ મગનું નામ મરી પાડ્યું નથી.

શરદ પવારે બેઠકને લઈને કહ્યું હતું કે, તેમની પાસે જરૂરી નંબર નથી અને સરકાર બનાવવાની જવાબદારી ભાજપ અને શિવસેનાની છે. શિવસેના અને ભાજપ શું પગલુ ભરશે તેના પર અમારી નજર છે. અમે હજી સુધી બંનેમાંથી એક પણ પક્ષ સાથે વાતચીત નથી કરી. અમે ના તો શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે કોઈએ વાત કરી છે કે ના તો તેમને કોઈ પ્રસ્તાવ મોકલ્યો છે.

ભાજપ-શિવસેના વચ્ચે ચાલી રહેલો વિવાદ રસાકસી અને નુરાકુસ્તી શું સોદાબાજીને લઈને છે કે કેમ? તો પવારે જણાવ્યું હતું કે, ના, બંને વચ્ચે ગંભીર મુદ્દો દેખાઈ રહ્યો છે. શું શિવસેના સાથે તેઓ જશે કે કેમ? તેને લઈને પવારે કોઈ જ જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમારી પાસે નંબર નથી, અમે શું કરી શકીએ. શિવસેનાએ પણ હજી સુધી અમને કોઈ જ પ્રસ્તાવ આપ્યો નથી. આમ એનસીપી-કોંગ્રેસે પોતાના પત્તા ખોલ્યા નથી.