જામનગરમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ, એક જ દિવસમાં બે વખત આંચકા અનુભવાયા

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાતમાં જ્યાં એક બાજુ મહા વાવાઝોડાનું સંકટ માથે આવીને ચઢ્યું છે. ત્યારે જામનગરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. દિવસ દરમિયાન જામનગરમાં ભૂંકપનાં બે આંચકા અનુભવાયા છે. જામનગરમાં 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 27 કિમી દૂર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10થી 15 દિવસ દરમિયાન ભૂકંપના આંચકા અનુભવતાં જામનગરવાસીઓમાં ડરનો માહોલ છવાયો છે.

જામનગરમાં છેલ્લા થોડા સમયથી ભૂંકપના આંચકાનું પ્રમાણ વધ્યું છે. થોડા દિવસ અગાઉ ઉપરાઉપરી 3.3ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા નોંધાયા હતા. ત્યારે સોમવારે સાંજે ફરી 3.7ની તીવ્રતાના આંચકા આવતા દોડધામ મચી ગઇ હતી. આ આંચકો અંદાજિત 3થી 4 સેકેન્ડ સુધી આવ્યો હતો. જામનગર આસપાસનું ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયું છે. કાલાવડ અને લાલપૂરમાં પણ અનુભવાયો આંચકો છે.

છેલ્લા 10થી 15 દિવસથી અને રાત્રીના સમયે પણ ભૂકંપના આંચકા આવતા હોવાના કારણે ગ્રામજનોમાં ભય ફેલાયો છે. ભૂકંપના આંચકાના કારણે કાચા મકાનોને ભારે નુકસાની થઇ રહી છે. તો પાકા મકાનોમાં પણ તિરાડો પડતી હોવાની વ્યાપક રાવ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે.