મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તો અમારી પાર્ટીમાંથી જ હશે : સંજય રાવત

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાવતે ફરી એક વખત કહ્યું કે મુખ્યમંત્રી તો અમારી જ પાર્ટીમાંથી બનશે. મંગળવારે રાવતે કહ્યું કે ‘તમે જે પ્રમાણેનો હોબાળો કરી રહ્યા છો તે હોબાળો નથી, ન્યાય અને અધિકારની લડત છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તો શિવસેનામાંથી જ કોઈ હશે. અમારામાંથી જ કોઈ એક શપથ ગ્રહણ કરશે અને સરકાર ગઠન પર લાગેલું ગ્રહણ પણ દૂર થઈ જશે.’

શરદ પવાર ભલે કંઈ પણ બોલે અમને કોઈ વાંધો જ નથી. જે લોકો અમારા પર આંગળી ઉઠાવી રહ્યા છે તે લોકોને ખબર છે કે તે લોકો પણ શરદ પવારને કહેવા માગે છે કે શપથગ્રહણ પર કોઈ એકનો અધિકાર નથી રહેલો હોતો. શિવસેનાના મુખપત્ર સામનામાં ફરી એક વખત ભાજપ સરકાર પર પ્રહાર કરાયા છે. સામનાનું સંપાદકીય શીર્ષક આપવામાં આવ્યું છે કે ‘દિલ્હી ગંદી, મહારાષ્ટ્ર સ્વચ્છ! હવે આગળ શું?’

સામનામાં વધુમાં લખ્યું છે કે દેશ અને રાજ્યમાં શું થઈ રહ્યું છે તે જાણવાનો અધિકાર દેશના દરેક નાગરિકોને છે. આ ઉપરાંત આમાં સોમવારે ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ફડણવીસ વચ્ચે થયેલી મુલાકાતનો પણ ઉલ્લેખ કરીને લખવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી, અમિત શાહ સાથે મળીને સરકાર બનાવવા વિશે નિવેદન આપી રહ્યા છે. તેથી સ્પષ્ટ અર્થ થાય છે કે તેમણે કંઈક સાંઠ-ગાંઠ કરી લીધી છે અને બહુમતીનો આંકડો બનાવી મેળવી લીધો હશે.