પાકિસ્તાન ઉદઘાટન સમારોહમાં પણ શ્રદ્ધાળુઓ પાસેથી રૂ. 1400 લેશે, પહેલા આ દિવસે ફી નહીં લેવાની વાત કહી હતી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાનની સેનાએ પોતાના વડાપ્રધાન ઈમરાન ખાનનો બીજો વાયદો પણ રદ કર્યો છે. પાકિસ્તાનની સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આવતીકાલે એટલે કે 9 નવેમ્બરે કરતારપુર કોરિડોરના ઉદ્ધાટનના પ્રસંગે ભારતીય શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડોલર (રૂ.1400 ) લેવામાં આવશે. અગાઉ ઈમરાન ખાને જાહેરાત કરી હતી કે કરતારપુર કોરિડોરના ઉદ્ધાટનના પ્રસંગે ભારતીય શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડોલર વસુલવામાં આવશે નહિ.

કરતારપુર સાહિબ માટે યાત્રા શરૂ થવામાં થોડા કલાકો જ બાકી છે, પરંતુ પાકિસ્તાનનો દાવપેંચ જ ખત્મ થઈ રહ્યો નથી. સૌથી પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ટ્વિટ કરીને કહ્યું કે કરતારપુર સાહિબ દર્શન માટે આવનારા ભારતીય શ્રદ્ધાળુઓને પાસપોર્ટની જરૂર પડશે નહિ, જોકે પાકિસ્તાનની સેના તરફથી પોતાના જ પીએમની વાતને ફગાવી દેવામાં આવી છે.

તેની સાથે જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે ઉદ્ધાટન અને ગુરુ નાનક દેવના 550મી જયંતી પર આવનારા શ્રદ્ધાળુઓ પાસેથી એન્ટ્રી ફીસ વસુલવામાં આવશે નહિ, પરંતુ પાકિસ્તાનની સેનાએ ફરીથી પોતાના જ પીએમની વાતને ફગાવી દીધી. સેનાએ કહ્યું કે ઉદ્ધાટનના પ્રસંગે આવનારા શ્રદ્ધાળુઓ પાસેથી પણ એન્ટ્રી ફીસ વસુલવામાં આવશે.

10 દિવસ પહેલા કરાવવાનું રહેશે રજિસ્ટ્રેશન

આ સિવાય પાકિસ્તાનના વડાપ્રધાને ત્રીજી જાહેરાત કરી હતી કે કરતારપુર સાહિબ દર્શન માટે રજિસ્ટ્રેશનની જાણકારી દસ દિવસ પહેલા પાકિસ્તાનને આપવી જરૂરી નહિ હોય, જોકે તેમની સરકારના પ્રવક્તાએ ઈમરાનની વાતથી વિપરીત નિવેદન આપ્યું. પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા શાહએ કહ્યું કે અમને 10 દિવસ પહેલા માહિતી આપવાની રહેશે.

પાકિસ્તાનના દાવપેંચથી ભારત સતર્ક

પાકિસ્તાનની દાનતથી ભારત પરિચિત છે, આ કારણે તેણે શ્રદ્ધાળુઓને પહેલેથી કહી દીધું હતું કે ભારત સરકાર ભારતીય શ્રદ્ધાળુઓનું લિસ્ટ પાકિસ્તાનને દસ દિવસ પહેલા મોકલાવશે. ભારતીય શ્રદ્ધાળુઓએ પોતાનો લીગલ પાસપોર્ટ પોતાની સાથે રાખવાનો રહેશે અને કરતારપુર સાહિબ દર્શન માટે પાકિસ્તાન સરકારને 20 ડોલર એટલે કે લગભગ 1400 રૂપિયા સેવા ચાર્જ ચુકવવાનો રહેશે.