સસ્પેન્ડેડ આઇએએસ ગૌરવ દહિયાને દિલ્હી પોલીસે ક્લિનચીટ મળી હોવાની વિગતો સામે આવી રહી છે. બાળકી પણ દહિયાની ન હોવાનું સામે આવ્યું છે અને મહિલા પરિણીત હોવાનો ખુલાસો થયો છે. દિલ્હીમાં લીનુસિંહ નામની મહિલાએ ગુજરાત કેડરના આઇએએસ અધિકારી સામે પરિણીત હોવા છતાં લગ્ન કરીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરી હતી. આ સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા નિર્મિત તપાસ કમિટીએ રિપોર્ટ આપ્યો અને ત્યાર બાદ ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. રિપોર્ટમાં બાળકી દહિયાની ન હોવાનું સામે આવ્યું છે, જ્યારે આરોપ લગાવનાર લિનુસિંહ પરિણીત હોવાનો ખુલાસો થયો છે. જ્યારે દિલ્હી પોલીસના રિપોર્ટ મળ્યા બાદ ગૌરવ દહિયાનું સસ્પેશન રદ્દ કરવું કે નહીં તેનો જીએડી નિર્ણય લેશે.
દહિયાએ ક્લિનચીટ મળી હોવાનું જણાવ્યું
આ સમગ્ર મામલામાં દિલ્હી પોલીસે ગૌરવ દહિયાને ક્લિનચીટ આપી હોવાની વિગતો સામે આવી છે. જે અંગે ગૌરવ દહિયાએ જણાવ્યું હતું કે, મને દિલ્હી પોલીસ તરફથી ક્લિનચીટ મળી ગઇ છે. તેમજ સાઇન્ટિફિક પુરાવા અને અન્ય કારણસર મને ક્લિનચીટ મળી છે. આ અંગે મને દિલ્હી ડીસીપી કક્ષાના અધિકારી તરફથી જાણ થઇ છે અને તેના કાગળ પણ મારી પાસે આવી ગયા છે.
ગંભીર આરોપ સાથે મહિલાએ અરજી કરી હતી
આરોગ્ય વિભાગના કમિશનર અને ગુજરાતના સિનિયર આઈએએસ દહિયા સામે દિલ્હીની મહિલાએ સ્થાનિક વિમેન સેલમાં ગંભીર આક્ષેપો સાથે અરજી કરી હતી. મહિલાએ તેમાં જણાવ્યું હતું કે, દહિયા પરણિત હોવા છતાં તેમણે તેને બીજા લગ્ન કરવા દબાણ કરીને છેતરપિંડી કરી હતી. એટલું જ નહીં, એક દિવસ અધિકારીએ સોફ્ટ ડ્રિન્ક પીવડાવી અર્ધબેભાન કરી તેના બિભત્સ ફોટા-વીડિયો ઉતારી તેને વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી લગ્ન માટે દબાણ કર્યું હતું. જે બાદ 2018માં લગ્ન કર્યા હતા. સામે પક્ષે દહિયાએ પણ મહિલા સામે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં જૂનમાં અરજી કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, આ મહિલાએ તેમને પોતાનો પરિવારને છોડીને સાથે રહેવા દબાણ કર્યું હતું અને આમ ન કરું તો મને સમાજ અને કામના સ્થળે બદનામ કરવાની ધમકી આપતી હતી.
મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરી પહેલી પત્ની પાસે છુટાછેડા લેવડાવ્યાઃ દહિયા
આઈએએસ દહિયાએ અરજીમાં એવો આક્ષેપ કર્યો છે કે, ફેસબુકના માધ્યમથી 2017માં તેઓ દિલ્હીની મહિલાના સંપર્કમાં આવ્યા હતા. દિલ્હી જવાનું હતું ત્યારે મહિલા સાથે મુલાકાત થઈ હતી. દિલ્હીની એક હોટલમાં મુલાકાત દરમિયાન પોતે પરિણિત હોવાનું કહેવા છતા મહિલાએ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. મહિલાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી મદદ પણ કરી, પરંતુ થોડા સમય બાદ તેણે બ્લેકમેઈલ કરીને નાણાં પડાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરીને તેમની પ્રથમ પત્ની સાથે છૂટાછેડા પણ લેવડાવ્યા હતા.
દિલ્હીમાં એકબીજાની સમજૂતી સંબંધ બાંધ્યા
બન્ને વચ્ચે દિલ્હીમાં 2018માં રૂબરૂ પ્રથમ મુલાકાત થઈ અને એકબીજાની સમજૂતીથી સંબંધ બાંધ્યા હતા. લીનુસિંહે ગૌરવ દહિયાને દિલ્હીના પોશ વિસ્તારમાં ઘર લેવા દબાણ કર્યું હતું અને તેની માંગણીને વશ થઈ ગૌરવે ઘર પણ લઈ આપ્યું હતું. કોઈપણ પ્રકારના કાયદાકીય જોગવાઈ મુજબ, સંબંધો રાખ્યા ન હોવા છતાં પણ લીનુસિંહે અવાર નવાર ગેરવ્યાજબી માંગણીઓ કરી તેમજ ધમકીઓ આપી હતી. ગૌરવ દહિયાને બ્લેકમેઈલ કરવા માટે 23 જાન્યુઆરી 2019ના રોજ લીનુસિંહે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. લીનુસિંહે ગુજરાતમાંથી ઘર સંસાર છોડી અને પોતાની સાથે રહેવા માટે પણ દબાણ કર્યું હતું.
અનેકવાર રૂપિયા આપવા છતાં લીનુ હાલ પણ મોટી રકમની માંગ કરે છે
લીનુસિંહ દ્વારા ઉપજાવી કાઢેલા ફોટોગ્રાફ્સ મુકી અને ગૌરવને બદનામ કરવા માટે ઓફિસના કર્મચારીઓના તેમજ ઓફિસના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ મેળવી તેમને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવામાં આવી હતી. ગૌરવ દહિયાના આક્ષેપ મુજબ, તેને હનિટ્રેપમાં ફસાવીને લીનુસિંહ આર્થિક લાભ મેળવી રહી છે. ભૂતકાળમાં પણ અનેકવાર રૂપિયા આપવા છતાં લીનુ હાલમાં પણ મોટી રકમની માંગ કરી રહી છે. જેથી તેની સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવા માટે ગૌરવ દહિયાએ ગાંધીનગર ખાતે સેક્ટર- પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.

