આજકાલ હેલ્થ કૉન્શિયસ લોકો યોગને તેમના રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ બનાવી રહ્યા છે. વિવિધ રોગોમાં રાહત મેળવવા, સ્ટ્રેસ ઘટાડવા, વજન ઘટાડવા, શ્વસન સંબંધિત સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા, તેમજ પેટની ચરબી ઘટાડવા માટે વિવિધ આસનો કરવામાં આવે છે.
આજકાલ વજન ઘટાડવાની સાથે-સાથે ફાંદ એટલે કે પેટની ચરબી કેવી રીતે ઉતારવી એ સમસ્યા પણ બહુ વિકટ બની ગઈ છે, તેમાં પણ જે લોકો સ્ટ્રિક ડાયટ કરી ન શકતા હોય તેમના માટે તો વધારે મુશ્કેલ બની જાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ એક ખાસ આસન વિશે, જે પેટની ચરબીની સાથે-સાથે જાંઘ પર જમા થયેલ વધારાની ચરબી ઓગાળવામાં પણ મદદ કરશે.
નિયમિત નૌકાસન કરવાથી પેટની ચરબી ઓગળી જાય છે અને શરીર એકદમ લચીલું બને છે, સાથે-સાથે એબ્સ પણ બને છે.
આ રીતે કરો નૌકાસન
- સૌપ્રથમ યોગા મેટ પર પીઠના બળે સીધા સૂઇ જાઓ.
- શ્વાસ લેતાં-લેતાં બંને પગને ઊંચા કરો અને બંને હાથથી પગના પંજાને અડવાનો પ્રયત્ન કરો. શરૂઆતમાં થોડી તકલીફ પડશે, પરંતુ ધીરે-ધીરે બહુ સહેલાઇથી થવા લાગશે.
- ખાસ ધ્યાન રાખવું કે, આ સ્થિતિમાં તમારા શરીરનો અગ્રભાગ અને પગ બંને ઊંચા રહેવા જોઇએ.
- થોડી સેકન્ડ્સ આ સ્થિતિમાં રહ્યા બાદ ધીરે-ધીરે શ્વાસ છોડતાં-છોડતાં સૂઇ જાઓ.
- થોડી સેકન્ડ બાદ આ પ્રક્રિયા ફરી કરો.
- લગભગ 15-15 સેકન્ડ્સના ગેપમાં આ પ્રક્રિયા 5 વાર કરો અને ધીરે-ધીરે તેની સંખ્યા વધારતા જાઓ. આ આસન વધુમાં વધુ 30 વાર કરી શકાય છે.
આ આસન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે. સાથે-સાથે પાચનતંત્ર એસિડિટી, ગેસ, કબજિયાત જેવા પાચનતંત્ર સંબંધિત રોગોમાં પણ રાહત મળે છે. શરૂઆતમાં આ આસન કરવાથી કમર દુ:ખી શકે છે, પરંતુ ધીરે-ધીરે કમર મજબૂત બને છે.
નોંધ: કરોડરજ્જુની સમસ્યાવાળા કે બીપીના દરદીએ આ આસન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી.

