લોકસભામાં વિપક્ષનો હંગામો, કોંગ્રેસ સાંસદોએ લોકસભાથી વૉકઆઉટ કર્યુ

મુખ્ય સમાચાર રાજકીય

સંસદના શીયાળુ સત્રનો આજે બીજો દિવસ છે. લોકસભા અને રાજ્યસભામાં જેએનયુ, પ્રદૂષણ, વિપક્ષી નેતાઓ પાસેથી એસપીજી સુરક્ષા હટાવી લેવી અને માર્શલ્સની ડ્રેસને લઇને વિપક્ષે ભારે વિરોધ કર્યો હતો.

સીપીએમ એ જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીનો મુદ્દો ઉઠાવ્યો તો લોકસભામાં કોંગ્રેસે ગાંધી પરિવાર પાસેથી એસપીજી સુરક્ષા પાછી ખેંચી લેવા પર વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસ સાંસદોએ લોકસભામાં ગાંધી પરિવારને એસપીજી સુરક્ષા નહીં આપવાનો આરોપ મુકી નારેબાજી કરી.

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે, વાજપેયીજીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને SPG સુરક્ષા આપી હતી. 1991-2019 સુધી સુરક્ષા ક્યારેય ઘટાડવામાં ના આવી, પરંતુ આ સરકાર હવે બદલાની ભાવનાથી સુરક્ષા હટાવી રહી છે.

બીજી તરફ માર્શલ્સના યુનિફોર્મ બદલવાને લઈને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂએ સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. આમ છત્તાં વિપક્ષી સાંસદ હોબાળો કરતા રહ્યા. જે અંગે સભાપતિ વેકૈયા નાયડૂએ ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી હતી.

સંસદનું આ સત્ર ભારતીય લોકશાહી માટે ખાસ મહત્ત્વ ધરાવે છે કારણ કે સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાનું આ 250મું સત્ર છે. રાજ્યસભાનું પ્રથમ સત્ર 13 મે 1952ના દિવસે યોજાયું હતું અને ત્યારથી લઇને અત્યાર સુધી આ ગૃહ ભારતના સંઘીય બંધારણીય માળખાને સાચવી રાખવામાં પોતાનો ફાળો આપતો આવ્યું છે.