અમેરિકાથી અમદાવાદ આવેલા ગુજરાતી પરિવારને પોલીસ દ્વારા માનસિક ત્રાસ આપવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. મૂળ ખેડા જિલ્લામાં રહેતો પરિવાર મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો એરપોર્ટથી લગભગ બે કિલોમીટરના અંતરે પીસીઆર વાન ઊભી હતી તેમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ આ NRI પરિવાર પર માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ સંદર્ભમાં પરિવારના એક વ્યક્તિએ પોતાના મોબાઇલ ફોન પર પોલીસની દાદાગીરી નું વિડીયો શુટીંગ કર્યું હતું બાદમાં આ વીડિયો ક્લિપિંગને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી.
અમેરિકામાં પણ લોકોએ આ વીડિયો ક્લિપિંગ ને જોઈ છે જેને પગલે યુએસમાં વસતા ગુજરાતી લોકોમાં જબરદસ્ત આક્રોશ વ્યાપી ગયો છે આજે અમેરિકામાં વસતા ગુજરાતીઓ ભેગા થયા હતા તેમજ ગુજરાતમાં અવારનવાર એન.આર.આઇ પરિવાર સાથે પોલીસ બેહૂદું વર્તન કરે છે અને ઘણા કિસ્સાઓમાં પોલીસ દ્વારા ધાકધમકી આપીને તોડબાજી પણ કરાતી હોવાની ચર્ચા થઈ હતી.
આખરે અમેરિકામાં વસતા લોકોએ નક્કી કર્યું છે કે આ સંદર્ભમાં આપણે આપણા ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને ફરિયાદ કરવી આગામી સમયમાં આ બંને નેતાઓને વિગતવાર રજૂઆત અપાશે.
દરમિયાનમાં આ ઘટનાની ગુજરાત સરકારે પણ ખૂબ જ ગંભીર નોંધ લીધી છે આ અંગે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે વિદેશથી આવતા તમામ પ્રવાસીઓને કોઈ જાતની મુશ્કેલી ન થાય તે જોવાની અમારી ગૃહ ખાતાની ફરજ છે આજે મેં ગુજરાતના પોલીસ વડા સાથે આ સંદર્ભમાં ખૂબ જ ગંભીરતાથી ચર્ચા કરી છે તેમજ વાયરલ થયેલા વીડિયોની પણ ગંભીર નોંધ લીધી છે અને અમેરિકા લંડન કે કોઈપણ દેશમાંથી ગુજરાતમાં આવી રહેલા એન.આર.આઇ પરિવારને પોલીસ ખોટી રીતે ના કરે તે માટેના તમામ પગલાં લેવા માટેની વાત કરી છે એટલું જ નહીં જરૂર જણાય ત્યારે ખૂબ જ સખતાઈથી પગલાં ભરવાનો આદેશ પણ આપ્યો છે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે જોવાની તાકીદ પણ ડી.જી.ને કરી છે.
બીજી બાજુ આધારભૂત સૂત્રો જણાવે છે કે ગુજરાત સરકાર આગામી સમયમાં આ સંદર્ભમાં કોઇ મોટો નિર્ણય કરવા જઈ રહી છે જેમ કે હાલમાં પીસીઆર વાનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલોને કેટલીક સત્તા આપવામાં આવી છે જેથી તેઓ એરપોર્ટ પરથી નીકળતા પ્રવાસીઓને વચ્ચે રોકીને તેને હેરાન પરેશાન કરી તોડ બાજી કરતા હોય છે પરંતુ હવે પી.એસ.આઇ અથવા તો આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને મોબાઈલ ઇનચાર્જ ને આ પ્રકારની સત્તા આપવાનો નિર્ણય કરવાની વિચારણા થઈ રહી છે.

