મહારાષ્ટ્રમાં સત્તાના ખેલમાં અજીત પવારે ભલે એનસીપી પ્રમુખ શરદ પવારને ઝટકો આપ્યો, પરંતુ પાવર ગેમના ચાણક્ય કહેવાતા શરદ પવાર તેમની પર ભારે પડી રહ્યા હોવાનું પ્રતિત થઇ રહ્યું છે. આ અંગે અનુમાન લગાવી શકાય છે કે, અજીત પવાર માટે એનસીપી ધારાસભ્યોનું સમર્થન લાવનાર ધનંજય મુંડે હવે શરદ પવાર પ્રત્યે તેમની વફાદારીના ગુણગાન ગાઇ રહ્યા છે.
માનવામાં આવી રહ્યું છે કે, શનિવારે જે ધારાસભ્યોને લઇને અજીત પવાર રાજ્યપાલ પાસે પહોંચ્યા હતા તેઓ તમામ ધનંજય મુંડે દ્વારા એકત્રિત કરવામાં આવ્યા હતા. એટલુ જ નહીં મુંડે પણ સીએમ ફડણવીસથી નજીક હોવાનું માનવામાં આવે છે. હવે મુંડેએ ટ્વિટ કરી છે કે, હું પાર્ટી સાથે છું. શરદ પવાર સાથે છું. મહેરબાની કરીને અફવાઓ ન ફેલાવશો.
મુંડેની ટ્વિટ પછી મહારાષ્ટ્રનું રાજકારણ વધારે ગરમાયુ છે, અહીં સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, અજીત પવાર હવે એકલા પડી ગયા છે અને શરદ પવાર જીતી રહ્યા છે.
જો કે સમગ્ર સ્થિતિ તારણ ત્યારે જ નીકળશે જ્યારે વિશ્વાસમત દરમિયાન કેટલા ધારાસભ્યો અજીત પવારના સાથે જાય છે અને મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે.
જો કે આ દરમિયાન પવાર પરિવાર વચ્ચે ચાલી રહેલા પાવર વોરને ખતમ કરવા માટે શિવસેના પણ પ્રયત્ન કરી રહી છે. શિવસેનાએ અજીત પવારને પાર્ટીમાં પરત ફરવા માટે અપીલ કરી હતી.

