તેલંગાણાના રંગા રેડ્ડી જીલ્લામાં 26 વર્ષીય મહિલા વેટેનરી ડોક્ટર સાથે ગેંગરેપ અને હત્યાના કેસમાં ચાર આરોપીઓને 14 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. કોર્ટેના આદેશથી તેમણે જેલ ભેગા કરવામાં આવ્યા હતા. આ ઘટના પછી સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શનિવારે હૈદરાબાદના શાદનગર પોલીસ સ્ટેશન બહાર લોકોએ પ્રદર્શન કર્યું હતું. જ્યારે કેટલાક લોકોએ કોઇપણ સુનવણી વગર આરોપીઓને ફાંસીએ ચડાવવા કે એનકાઉન્ટર કરવાની માંગ કરી હતી. સ્થાનિક બાર કાઉન્સિલે પણ આરોપીઓનો કેસ લડવાથી ઇન્કાર કર્યો છે.
બાર કાઉન્સિલે જણાવ્યું હતું કે, કોઇપણ વકીલ કોર્ટેમાં ચારે અપરાધીનો કેસ નહીં લડે અને તેમને કાયદાકીય સહાયતા નહીં મળે. બળાત્કાર અને નિર્મમ હત્યાનો આ કેસ મહબૂબનગરની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહ્યો છે.
મહિલા વેટેનરી ડોક્ટર તેમના ઘરથી 30 કિમી દૂર સ્થિત હોસ્પિટલમાં કાર્યરત હતા અને બુધવારે ઘરે પરત ફરતા તેમની સાથે આ કૃત્ય આચરવામાં આવ્યું હતું. જે પછી ગુરુવાર સવારે તેમનો અર્ધ સળગેલો મૃતદેહ મળી આવ્યો હતો.
આ મામલામાં ચાર આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ગેંગરેપ અને મર્ડર કેસ વિરુદ્ધ હૈદરાબાદમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ બેંગ્લુરુ હાઇવે જામ કર્યો હતો. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો પણ સામેલ થયા હતા. રાજધાની દિલ્હીમાં પણ આ ઘટનાના વિરોધમાં વિદ્યાર્થીઓ દ્વારા સંસદ બહાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન શમ્શાબાદના એક વિસ્તારમાં અન્ય મહિલાનો સળગાવેલો મૃતદેહ મળી આવતા લોકોમાં આક્રોશ વધ્યો હતો. મૃતક મહિલાની ઉંમર 35 વર્ષ હોવાનું અનુમાન છે, પરંતુ હજુ સુધી તેની ઓળખ મળી નથી.

