મહારાષ્ટ્રમાં ઠાકરેનું ‘મરાઠા કાર્ડ’ રાજ્યની ખાનગી નોકરીઓમાં સ્થાનિકોને 80% અનામત માટે કાયદો ઘડશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી-કોંગ્રેસ ગઠબંધન સરકારે સત્તામાં આવતાની સાથે જ મરાઠા કાર્ડ ખેલ્યું છે. સરકાર મરાઠા કાર્ડ રાજ્યમાં નોકરીઓના માધ્યમથી રમી રહી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રવિવારે માહિતી આપી હતી કે,રાજ્ય સરકાર કાયદો ઘડીને સ્થાનિક લોકોને ખાનગી નોકરીઓમાં 80 ટકા અનામત આપવાની તૈયારી કરી રહી છે.

કોશ્યારીએ આ જાહેરાત વિધાનસભામાં ધારાસભ્યોની સંયુક્ત બેઠક દરમિયાન કરી હતી. રાજ્યપાલે જણાવ્યું કે શિવસેના-એનસીપી-કોંગ્રેસની મહા વિકાસ અઘાડી સરકાર રાજ્યમાં બેરોજગારી મુદ્દે ચિંતામાં છે. રાજ્યપાલના સંબોધન પછી મહારાષ્ટ્ર વિધાનસભાના નીચલા સદનને 16 ડિસેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું.
રાજ્યપાલ કોશ્યારીએ જણાવ્યું કે સરકાર સામાન્ય નાગરિકોને 10 રુપિયામાં ભોજન આપશે અને રાજ્યના દરેક જીલ્લામાં એક સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરશે. શિવસેનાએ એક રુપિયામાં મેડિકલ ચેકઅપ, મકાન નિર્માણ માટે ગરીબોને 500 વર્ગ મીટર જમીન, દુષ્કાળ પીડિત ખેડૂતોને દેવામાંફી સમગ્ર રાજ્યમાં 10 રુપિયમાં ભરપેટ ભોજન આપનારા કેન્દ્રો સ્થાપવા વચન આપ્યા હતા.

આ સિવાય રાજ્યપાલના સંબોધન મુજબ શિવસેના રાજ્યની મહિલાઓને મફતમાં શિક્ષણ પુરુ પાડવાના પ્રયત્ન કરશે. પોતાના સંબોધન દરમિયાન રાજ્યપાલે જણાવ્યું કે નવીનત્તમ સરકાર રાજ્યમાં ઉદ્યોગ વિકાસ માટે નવી નીતિ ઘડશે.