ગાંધીનગરમાં બુધવારે શરૂ થયેલા વિદ્યાર્થીઓના આંદોલન બાદ આજે તંત્રના પ્રતિનિધિઓએ વિરોધ કરી રહેલાં વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી હતી. ઉમેદવાર આગેવાનો અને કલેકટર વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ઉમેદવારના આગેવાનોએ પોતાની પાંચ માગ સ્વીકારી હોવાનું જણાવ્યું હતું. આ પાંચમાં પરીક્ષામાં થયેલી ગેરરીતિ સામે એસઆઈટીની રચના તેમજ વિદ્યાર્થીનું પ્રતિનિધિત્વ રહેશે તે માગનો સ્વીકાર કરાયો છે. જો કે પરીક્ષા રદ થશે કે નહીં તે અંગે ઉમેદવારના આગેવાનોએ પણ મૌન ધારણ કર્યું હતું. સાથે જ આ એસઆઈટીમાં આસિત વોરા નહીં હોય કે કોઈ રાજકીય નેતા નહીં હોય તે માગનો પણ સ્વીકાર કરાયો છે. તો આ બેઠક બાદ કલેકટરે પણ ઉમેદવારની પાંચ માગ સ્વીકારી હોવાનો દાવો કર્યો હતો.
બીજી તરફ સરકારે પ્રતિનિધિઓને વાતચીત માટે બોલાવ્યા જેમાં માત્ર બે જ આગેવાનોને બોલાવવામાં આવતા આંદોલન કરી રહેલા ઉમેદવારોમાં મતભેદ જોવા મળ્યો. બંધબારણે થયેલી બેઠક સામે કેટલાક ઉમેદવારોમાં નારાજગી જોવા મળી. તેવો પણ ઉમેદવારોએ મત વ્યક્ત કર્યો છે. જેથી હજુ સુધી વિદ્યાર્થીઓએ આંદોલન સમેટ્યાનો સાધારણ અમથો પણ અણસાર આપ્યો નથી અને તેઓ પોતાની રજૂઆતને લઈ હજું પણ આંદોલનના માર્ગે છે.
વિજ્ય રુપાણીએ પણ આ અંગે આણંદના એક કાર્યક્રમમાં કહ્યું કે, વિદ્યાર્થીઓની લાગણી છે કે, ગૌણ સેવા દ્વારા લેવાયેલી પરીક્ષામાં પેપર લીક થયા છે, ગેરરીતિ થઈ છે. સરકારનું મન ઘણું ખુલ્લું ચે. સંપૂર્ણ તપાસ કરીશું અને તે આધારે પગલા પણ લેવા અમે સંમત છીએ. સરકારનું માનવું છે કે છ લાખથી વધુ લોકોએ જે મહેનત કરી છે તે એળે ન જાય અને ખોટા લોકો નોકરી ન લઈ જાય તે અંગે અમે ધ્યાન રાખીને સહમત છીએ. પારદર્શીતાથી ભરતી થવી જોઈએ. અમારી તેમની સાથે વાત ચાલી રહી છે.
ઉમેદવારોનાં આગેવાન યુવરાજસિંહ જાડેજાએ આ અંગે જમાવ્યું કે, ‘અમે સરકારને કહ્યું કે તપાસવા માટે એસઆઈટીની રચના થાય જેમાં એક સભ્ય ઉમેદવારો તરફથી રહેશે. આ કમિટિમાં કોઇપણ રાજકીય નેતા ન હોવા જોઇએ. આઈપીએસ, આઈએએસ કક્ષાનાં અધિકારી હોવા જોઇએ જેથી આ મામલામાં નિષ્પક્ષ તપાસ થાય.’ અમારી પાસે પરીક્ષામાં ગેરરીતિનાં નક્કર પુરાવા છે એટલે આ કમિટિ તપાસમાં પરીક્ષા રદ થશે તેવો અમને વિશ્વાસ છે. પરીક્ષા રદ નહીં થાય ત્યાં સુધી અમે ધરણાં ચાલુ જ રાખીશું. બીજા એક આગેવાન હાર્દિકનું કહેવું છે કે, ખાસ ગૌણસેવાના ચેરમેન અસિત વોરા કમિટિમાં ન હોય. અમારા તરફથી યુવરાજસિંહ જાડેજા કમિટિમાં હશે. કોઈ એક પોલીસ કર્મી પણ કમિટિમાં હશે. અમારી માગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે આંદોલન નહીં છોડીએ. અમે 200 રૂપિયા આપીને ઉઘરાવેલી પબ્લીક નથી, લોકો પોતાની હૈયાવરાળ લઈને આવ્યા છે. અમારે આંદોલન કરવું પડે તે તંત્ર માટે શરમજનક બાબત છે.

