પ્રશ્નોના વ્યવહારૂ ઉકેલનું આશ્વાસન મળતા આખરે સ્કૂલવાન ચાલકોની હડતાળ સમેટાઇ

ગુજરાત

અમદાવાદમાં આજે ગુરૂવારે સ્કૂલવાન ચાલકોની હડતાળને લઇને હજારો વિદ્યાર્થીઓ-વાલીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ટ્રાફિક અને આરટીઓ શાખા દ્વારા આડેધડ અને જોહુકમીપૂર્વક બેફામ રીતે સ્કૂલવાન-રિક્ષાઓને દંડવાનું શરૂ કરાતા તેના વિરોધમાં આજે હડતાલ અપાઇ હતી. એકબાજુ વિદ્યાર્થીઓની સલામતીના મુદ્દે તંત્ર તેની કાર્યવાહી યોગ્ય ઠેરવી રહ્યું હતું. તો બીજી બાજુ સ્કૂલવાન ચાલકો સરકારના બેવડા નીતિનિયમોના મુદ્દે મેદાને પડયા હતા. જોકે દિવસભરના ટકરાવ બાદ બંને પક્ષો વચ્ચેની વાટાઘાટો સફળ રહી હતી. જેમાં આખરે સમસ્યાનું યોગ્ય નિકાલ લાવવાનું નક્કી કરતા હડતાળ સમેટાઇ ગઇ હતી.

સ્કૂલવાનોની હડતાળના મામલે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કેેે સ્કૂલ વર્ધી સંચાલકોના પ્રશ્નો અને તેના વ્યવહારૂ ઉકેલ લાવવા માટે યોજાયેલી વાટાઘાટો સફળ રહી હતી. જેના પગલે આવતીકાલ શુક્રવારથી સ્કૂલવર્ધી વાન-રિક્ષાઓ હળતાળ સમેટીને રાબેતા મુજબ પૂર્વવત ચાલુ થઇ જશે. બાળકોના હિતમાં કાર્ય કરવા અપીલ કરાઇ હતી.

વાહનોના રજીસ્ટ્રેશન, પાર્સિંગ ઝડપથી થાય તેમજ ખાનગીમાંથી ટેક્સીવાનમાં કન્વર્ટ કરવાની સમય મર્યાદા વધારવાની માંગણીઓ પ્રત્યે સરકાર હકારાત્મક વલણ ધરાવે છે. અને આરટીઓના કાયદાની મર્યાદામાં રહીને સ્કૂલ વર્ધી સંચાલકોની મુશ્કેલીઓ દુર કરવાની તેઓએ ખાતરી આપી હતી.