ઓપનર ડેવિડ વોર્નરની સદી અને ફિંચ, ઉસ્માન ખ્વાજા અને ગ્લેન મેક્સવેલની મજબુત બૅટિંગની ઑસ્ટ્રેલિયાએ આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ફરીથી મોખરાનું સ્થાન હાંસલ કરતાં ગુરુવારે બાંગ્લાદેશને 48 રનથી પરાજય આપ્યો હતો. બાંગ્લાદેશની હાર છતાં જે રીતે એમણે ઑસ્ટ્રેલિયા સામે પરાજયને નાનો કર્યો અને પીચ પર ટકી રહી 50 ઓવરમાં 333 રન નોંધાવ્યા એ આવનાર સમયમાં આ ટીમ કેટલી ઘાતક બની શકે એ દર્શાવે છે. નિશ્ચિત દેખાતી હારમાં પણ રણનીતિપૂર્વક રમવાને લીધે આગળ રન રેટનો લાભ બાંગ્લાદેશને થઈ શકે છે.
વિશ્વ કપ જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ રનોની આતશબાજી વધતી જાય છે. આઈપીએલના સ્ટાર વૉર્નર અને મેક્સવેલે શાનદાર દેખાવ કરતા એવી જ રનોની આતશબાજી જોવા મળી.
ઑસ્ટ્રેલિયાએ વર્તમાન ટુર્નામેન્ટમાં બીજી વાર જંગી સ્કોર નોંધાવ્યો હતો. બાંગ્લાદેશ માટે મુશ્ફીકૂર રહીમે લડાયક સદી ફટકારી હતી.
ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીત્યાનો ફાયદો ઉઠાવીને ટ્રેન્ટ બ્રિજની પીચ પર પહેલી બૅટિંગ પસંદ કરી હતી.
ડેવિડ વૉર્નર અને એરોન ફિંચે ટીમના જંગી સ્કોરનો પાયો નાખ્યો હતો.
ઑસ્ટ્રેલિયાએ 50 ઓવરને અંતે પાંચ વિકેટે 381 રનનો વિરાટ સ્કોર ખડકી દીધો હતો.
બાંગ્લાદેશ આ સ્કોર સુધી પહોંચી શકે તેવી રમત દાખવી શક્યું ન હતું અને અંતે 50 ઓવરમાં આઠ વિકેટે 333 રન કરી શક્યું હતું.

