ઉન્નાવ દુષ્કર્મ પીડિતની મોત પછી પરિવાર આઘાતમાં છે. પિતાએ કહ્યું કે, પરિવારને એક પણ રૂપિયો નથી જોઈતો. બસ મારી દીકરીને ન્યાય મળવો જોઈએ. મોતનો બદલો માત્ર મોત હોવો જોઈએ. આરોપીઓ વાર કર્યા વગર ફાંસી આપવામાં આવે અથવા તેમને દોડાવીને ગોળી મારી દેવામાં આવે. આ દરમિયાન સપા અધ્યક્ષ અખિલેશ યાદવ વિધાનસભાની બહાર ધરણાં પર બેઠા હતા. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉન્નાવમાં પીડિતના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે, પરિવારને એક વર્ષથી પરેશાન કરવામાં આવે છે. મેં સાંભળ્યું છે કે, આરોપીઓના ભાજપ સાથે સંબંધ છે. આ જ કારણ છે કે તેમને બચાવવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં આરોપીઓના મનમાં ડર નથી રહ્યો.
તેમણે એવું પણ કહ્યું કે, આરોપીઓ પરિવારને જાહેરમાં મારવાની ધમકી આપતા હતા. ઘણી વાર કહ્યું હતું કે, કેસ પરત લઈ લો નહીં પરિવાર અને દીકરીને જીવતા સળગાવી દેશું. પોલીસને આ વિશે માહિતી આપી હતી. પરંતુ તેઓ દર વખતે વાત ટાળી દેતા હતા. અમારા ધારાસભ્યએ પણ કોઈ મદદ ન કરી.
પીડિતાની મોત પછી ઉન્નાવ જિલ્લાના બિહાર કસ્બાને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. પોલીસ અને જિલ્લા પ્રશાસનના સીનિયર અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર છે. ગ્રામીણો છેલ્લા બે દિવસથી તેમની ઘરની બહાર નીકળ્યા નથી.
‘ભાજપ જ આરોપી’
પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું, આ ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર કાર્યકાળમાં પહેલી ઘટના નથી. યાદ કરો એ સમય જ્યારે એક દીકરી મુખ્યમંત્રીના ઘરની સામે ન્યાય માંગતી હતી. તેને ન્યાય ન મળ્યો ત્યારે તેણે આત્મદાહનો પ્રયત્ન પણ કર્યો હતો. ઉન્નાવની એક દીકરીએ તો તેનો આખો પરિવાર ગુમાવ્યો છે. કોણ હતું આરોપી. ભાજપના નેતા. ઉન્નાવની આ ઘટના માટે પણ દોષિત કોણ છે? તે માટે પણ ભાજપ જ જવાબદાર છે. જે લોકો આરોપી છે તે લોકો પણ ભાજપ સાથે જ જોડાયેલા છે. તે દીકરીનું આખુ શરીર સળગાવી દીધું હતું અને તેમ છતા તે મદદની આશાએ દોડી. શું આજના સમયમાં આવી ઘટના થતી હશે કે કોઈ જીવતા સળગાવી દે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ડીજીપી જ્યાં સુધી હટશે નહીં ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા લાગુ નહીં થઈ શકે.
ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે સુનાવણી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના વિશે કહ્યું છે કે, આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવામાં આવશે. દોષિતોને શક્ય હશે એટલી વહેલી સજા આપવામાં આવશે. સીએમ યોગીએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તે સાથે જ કહ્યું છે કે, આ ઘટના ખૂબ દુખદ છે. દરેક આરોપીઓ પકડાઈ ગયા છે. તેમને શક્ય હશે એટલી વહેલી સજા આપવામાં આવશે. આ દરમિયાન દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલીવાલે કહ્યું છે કે, દરેક આરોપીઓને એક મહિનાની અંદર ફાંસી આપવી જોઈએ.
જીવના બદલે જીવ જોઈએ
ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના મોત પછી સમગ્ર પરિવાર આઘાતમાં છે. દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં આઘાતમય ટૂટી ગયેલી હાલતમાં રડતી પીડિતાની માતાએ ભાસ્કર APP સાથે વાત કરી હતી. અમારી સાથે તો એ લોકોએ કોઈ કસર બાકી નથી રાખી. અમારુ તો બધુ લૂંટાઈ ગયું. હવે જે રીતે અમારી દીકરીનો જીવ ગયો છે તે રીતે અમારે પણ જીવના બદલામાં જીવ જોઈએ છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીનાથ આદિત્યએ કહ્યું છે કે, હવે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે.
ભાઈ પાસેથી વચન લીધું કે- આરોપીઓને છોડતા નહીં
પીડિતાના ભાઈએ કહ્યું કે, હું કઈ કહી શકુ તેવી સ્થિતિમાં નથી. અમારી સાથે અમારી બહેન નથી. પાંચેય આરોપીઓને માત્ર મોતની સજા મળવી જોઈએ. તેનાથી ઓછું કશું નહીં. ભાઈએ કહ્યું, જ્યારે મારી બહેનને અહીં શિફ્ટ કરવામાં આવી ત્યારે તે ભાનમાં હતી. તેણે કણસતા અવાજે મને કહ્યું હતું કે, હું મરવા નથી માંગતી. તે ઉપરાંત તેણે તેના ભાઈ પાસેથી વચન પણ લીધું હતું કે, તેના આરોપીઓને છોડતા નહીં. જોકે ત્યારપછી પીડિતા કશુ બોલી નહતી શકી.
હવે હું લડાઈ લડીશ: પીડિતાની બહેન
પીડિતાની એક વર્ષ મોટી બહેને કહ્યું, અમારી બહેન અમારુ બધુ જ હતી. તે નાની હતી પરંતુ અમારા પરિવાર માટે પ્રેરણાદાયક હતી. હવે તેના મોત પછી અમે ચૂપ નહીં બેસીયે. હવે અમે બધા એની લડાઈ લડીશું. જ્યાં સુધી આરોપીઓને સજા નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. મને તો આરોપીઓએ પહેલાં જ બદનામ કરી દીધી છે. હવે કઈ પણ થઈ જાય, ભલે મને જીવતી સળગાવી દે પરંતુ હું મારા બહેનના હત્યારાઓને નહીં છોડું. પોસ્ટમોર્ટમ પછી અમે સીધા ઉન્નાવ અમારા ગામ જઈશુ અને ત્યાં જ મારી બહેનના અંતિમ સંસ્કાર થશે.
પીડિતનું ગઈ કાલે મોડી રાતે નિધન થયુ
90 ટકા દાઝેલી ઉન્નાવની દુષ્કર્મ પીડિતાનું શુક્રવારે રાતે 11.40 વાગે કાર્ડિયાક અરેસ્ટ પછી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં નિધન થયું છે. 5 ડિસેમ્બરની મોડી સાંજે તેને એરલિફ્ટ કરીને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં લાવાવમાં આવી હતી. જામીન પર છુટેલા દુષ્કર્મના આરોપીઓએ ગુરુવાર સવારે તેને સળગાવી દીધી હતી.

