નાગરિકતા સુધારણા બિલ પર સ્પષ્ટતા નહીં આપો ત્યાં સુધી સમર્થન નહીં મળે: શિવસેના

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમના પાર્ટી ત્યાં સુધી નાગરિકતા સંશોધન બિલનું સમર્થન નહીં કરે જ્યાં સુધી આ બિલ બાબતે બધી વાતો પર સ્પષ્ટતા ન થઈ જાય. જો નાગરિકોમાં આ બિલના કારણે ભય છે તો નાગરિકોની તમામ આશંકાઓ દૂર થઈ જવી જોઈએ. બિલનો વિરોધ કરનારા નાગરિકો પણ આપણા છે અને તેથી આપણે તેમના તમામ પ્રશ્નોના જવાબ આપવા જ જોઈએ. 

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમની પાર્ટી તરફથી રાજ્યસભામાં બિલમાં ફેરફાર કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. સોમવારે રાત્રે લોકસભામાં બિલ પસાર થયા બાદ રાજ્યસભામાં નાગરિકતા સુધારણા બિલને બુધવારના રોજ રજૂ કરવામાં આવશે. 

નોંધનીય છે કે લોકસભામાં શિવસેનાએ નાગરિકતા સુધારણા બિલના પક્ષમાં મત આપ્યો હતો પરંતુ હવે જ્યારે આ બિલ રાજ્યસભામાં રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે શિવસેનાએ આ બિલને સમર્થન આપવા બદલ નવી શરત મુકી છે કે જ્યાં સુધી સરકાર બિલ બાબતે તમામ સ્પષ્ટતા ન કરી લે ત્યાં સુધી શિવસેના આ બિલનું સમર્થન નહીં કરે.