જૂના સરદાર બ્રિજને નુકસાનને પગલે બંધ કરાતા નેશનલ હાઇવે પર 5 કિ.મી. લાંબો ટ્રાફિક જામ થયો, હજારો લોકો અટવાયા

ગુજરાત મુખ્ય સમાચાર

જૂના સરદાર બ્રિજને નુકસાનને પગલે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી ભરૂચથી સુરત તરફનો ટ્રાફિક નવા સરદાર બ્રિજ અને ગોલ્ડન બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેથી 5 કિ.મી. જેટલો લાંબો ટ્રાફિક જામ થયો હતો. જેથી હજારો લોકો અટવાઇ ગયા હતા.
નવા સરદાર બ્રિજ પર ગાબડાઓ પડ્યા હોવાથી વાહનો ધીમી ગતિએ પસાર થાય છે
નર્મદા નદી ઉપર બનેલા કેબલ સ્ટેઇડ બ્રિજ અને ઝાડેશ્વર ચોકડી પાસે ફ્લાયઓવર બન્યા પછી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થઇ ગયું હતું, પરંતુ જૂના સરદાર બ્રિજના સ્પાનને નુકસાન થયુ હોવાથી બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી ટ્રાફિકની સમસ્યા ફરી એક વખત શરૂ થઇ ગઇ છે અને જૂનો સરદાર બ્રિજ બંધ થવાથી સુરત તરફ જતા કાર સહિતના વાહનો નવા સરદાર બ્રિજ અને ગોલ્ડન બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. અને નવા સરદાર બ્રિજ ઉપર ગાબડાઓ પડી ગયેલા હોવાથી વાહનો ધીમી ગતિએ પસાર થાય છે. જેથી ફરી એક વખત ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
સેનાના જવાનોએ ટ્રાફિકનું સંચાલન કર્યું
ભરૂચ પાસે નેશનલ હાઇવે નં-48 ઉપર ટ્રાફિક જામ થતાં સેનાના વાહનો પણ ફસાઇ ગયા હતા. આ ટ્રાફિકજામ જોઇને સેનાના જવાનોએ ટ્રાફિક જામની જવાબદારી ઉઠાવી લીધી હતી. જેથી ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ સેનાના જવાનો પ્રત્યે ગર્વ અનુભવ્યુ હતું.