સિયાચીન-લદાખ: જવાનો પાસે પહેરવા સ્નો ગોગલ્સ કે મલ્ટીપર્પઝ શુઝ પણ નથી: CAG રિપોર્ટ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સિયાચીન અને લદાખના ઊંચાઇ વાળા સરહદી વિસ્તારોની રક્ષા કરી રહેલા ભારતીય સેનાના જવાનોની સુરક્ષા અને અન્ય પ્રાથમિક જરુરિયાતોને લઇને કેગ દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. કેગના તાજેતરના રિપોર્ટ મુજબ સિયાચીન અને લદાખમાં સુરક્ષા મોર્ચો સંભાળી રહેલા જવાનો પાસે પહેરવા માટે સ્નો ગોગલ્સ અને મલ્ટીપર્પઝ જૂતા નથી, આ સિવાય વધારે ઊંચાઇવાળા ક્ષેત્રોમાં ખાવા માટે જરુરી “યોગ્ય” ભોજન પણ ઉપલબ્ધ નથી. અસહ્ય ઠંડીને કારણે ભારતીય સેનાના જવાનોને ઘણા પ્રકારના રોગોનો સામનો કરવો પડે છે.  

કેગના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, જવાનોની કેલેરી ઇનટેક સાથે પણ બેદરકારી વર્તવામાં આવી છે. યુનિયન ગવર્નમેન્ટ-આર્મીની કેગની રિપોર્ટ રાજ્યસભામાં રજૂ કરવામાં આવી હતી, પરંતુ લોકસભા સમક્ષ રજૂ ન થઇ શકી, આ કારણે કેગ તેની રિપોર્ટ સત્તાવાર રીત જાહેર ન કરી શકી. પરંતુ રાજ્યસભાના સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, કેગની રિપોર્ટ ઊંચાઇવાળા સરહદી વિસ્તારોમાં ભારતીય સેનાની સ્થિતિની પોલ ખોલે છે. રિપોર્ટ મુજબ સ્નો ગોગલ્સની ખોટ 62થી 98 ટકા છે, જેને કારણે જવાનોની આંખો અને ચહેરો ખરાબ મોસમમાં પણ ખુલા રહે છે. આ સિવાય જવાનો ખૂબ જ જૂના મલ્ટીપર્પઝ જૂતાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. 

ઊંચાઇવાળા વિસ્તારોમાં સરહદની રક્ષા કરી રહેલા ભારતીય સેનાના જવાનોને જૂના ફેસ માસ્ક, જેકેટ અને સ્લિપીંગ બેગ આપવામાં આવ્યા છે. કેગના રિપોર્ટમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે, જવાનો સારી અને જરુરિયાતવાળી ચીજવસ્તુઓથી વંચિત છે. ખાસ બાબત એ છે કે, હાડકાં ગાળી નાખે એવી ઠંડીમાં સેવા આપી રહેલા જવાનોની રોજની ઉર્જા સંતોષવા માટે જરુરી ખોરાકની વ્યવસ્થામાં પણ બેદરકારી વર્તવામાં આવી છે, આ સામાનના બદલામાં કિંમતને ધ્યાનમાં રાખીને ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે, જેનો સીધો અર્થ છે કે જવાનોની કેલેરી ઇનટેક સાથે પણ સમજૂતી કરવામાં આવી રહી છે.