જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાની કસ્ટડી આગામી ત્રણ મહિના માટે વધારવામાં આવી છે. તેઓ પાંચ ઓગસ્ટથી, રાજ્યમાં આર્ટિકલ 370 હટાવ્યાના દિવસથી નજરકેદમાં છે. અધિકારીઓએ માહિતી આપી હતી કે, ફારુક અબ્દુલ્લા તેમના ઘરમાં જ રહેશે જેને સબ જેલ જાહેર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લેતાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવતા આર્ટિકલ 370ની મોટાભાગની જોગવાઇઓ નાબૂદ કરી રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદાખમાં વહેંચી દીધુ હતું.
સુપ્રીમ કોર્ટમાં એમડીએમકે નેતા વાઇકોએ અરજી કરી તેમને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હોવાના આરોપ લગાવ્યા હતાં.જેના થોડા જ કલાક પહેલાં ફારુક વિરુદ્ધ 17 સપ્ટેમ્બરે પબ્લિક સેફટી એક્ટ લગાવવામાં આવ્યો હતો. આ એક્ટ હેઠળ કોઇપણ વ્યક્તિને સુનવણી વગર ત્રણથી છ મહિના સુધી જેલમાં રાખવાની જોગવાઇ છે.

