પોતાના નિવેદનોથી અવાર-નવાર ચર્ચાનો વિષય બનનારી ભારતીય જનતા પાર્ટીની સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ફરી એક વખત ચર્ચાના વંટોળમાં ફસાઈ ગયા છે. આ વખતે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમને ફ્લાઈટમાં બેઠેલા પ્રવાસીઓના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું છે.
ફ્લાઈટમાં સીટ માટે પ્રજ્ઞા ઠાકુર અને ક્રૂ મેમ્બર્સ સાથે વિવાદ સર્જાયો હતો. તેમણે ઈમરજન્સી સીટ માટેની માગ કરીને તેઓ વિમાનમાં જ ધરણા પર બેસી ગયા હતા. તેમણે ક્રૂ મેમ્બર્સ પર દુર્વવ્હારનો આરોપ લગાવ્યો હતો. તેમણે એરપોર્ટ ડાયરેક્ટરને તેમની ફરિયાદ પણ કરી હતી. આ સમગ્ર ઘટનાના દરમિયાન વિમાનમાં બેઠેલા અન્ય પ્રવાસીઓને ઘણી તકલીફ પડી હતી.
આ વિવાદના કારણે ફ્લાઈટ મોડી પડતા પ્રવાસીઓએ ભાજપા સાંસદ પ્રજ્ઞા ઠાકુર પર ગુસ્સે ભરાયા હતા. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક પ્રવાસી તેમને કહી રહ્યો છે કે તમને શરમ આવવી જોઈએ. તમે અમારા પ્રતિનિધિ છો. તમારી જવાબદારીમાં આવે છે કે તમારા કારણે કોઈ નાગરિકને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. તમારા કારણે વિમાનમાં બેઠેલા 50 લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.