થર્ટી ફર્સ્ટ પહેલા રજોડાની સીમમાંથી 1812 બોટલ ઈંગ્લિશ દારૂ ઝડપાયો, 3 જામનગરના શખ્સો સહિત 6ની ધરપકડ

ગુજરાત મુખ્ય સમાચાર

થર્ટી ફર્સ્ટ આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપાવા લાગ્યો છે. આજે એલ.સી.બી.એ સરખેજ-બાવળા હાઈવે પર આવેલી રજોડા સીમમાંથી રૂ.7 લાખ 24 હજાર 800ની કિંમતનો 1812 બોટલ ઈંગ્લિશ દારૂ ઝડપાયો છે. તેમજ ત્રણ જામનગરના શખ્સો સહિત 6ની ધરપકડ કરી છે. જેમાં ફિરોઝ ખાન મહમ્મદ યુનુસ(મેરઠ, યુપી), અમરજી કિશન યાદવ(રેવાડી, હરિયાણા), પાર્થ ઉર્ફે જાંબલી(જામનગર), કરણ વસંત ગોરી(જામનગર), વિમલ તુલસી પિનાણી(જામનગર) અને દિનેશ જાટ(હરિયાણા)નો સમાવેશ થાય છે. તેમજ 17 લાખ 54 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સંતરા ભરેલા પ્લાસ્ટિકના કેરેટથી બનાવેલા ગુપ્ત ખાનામાં દારૂ ગોઠવ્યો હતો
પોલીસે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને મકર સંક્રાંતિને પગલે દારૂ મામલે કડક કાર્યવાહી હાથધરી છે. આ કાર્યવાહી અંતર્ગત એલ.સી.બી.એ બાતમીદારોને કામે લગાડ્યા બાદ રજોડા ગામના પાટીયા નજીક વોચ ગોઠવી ટ્રક નંબર(HR63 B-8314)ના તળીયાના ભાગે બનાવેલા ગુપ્ત ખાનામાં ભારતીય બનાવટના ઈંગ્લિશ દારૂની 1812 બોટલ(151 પેટી) સંતરા ભરેલા પ્લાસ્ટિકના કેરેટથી બનાવેલા ગુપ્ત ખાનામાં ગોઠવી દીધી હતી. તેમજ આ ટ્રકનું ફોક્સ વેગન જેટા(GJ01KL 0637)થી પાયલોટિંગ કરી રહી હતી. આ સમયે પોલીસે રેડ પાડી દારૂનો જથ્થો અને ઝડતીના નાણાં રૂ.7330, 9 મોબાલઈ ફોનની કિંમત રૂ.20 હજાર તેમજ રૂ.1900ની કિંમતના 190 પ્લાસ્ટિકના કેરેટ, રૂ. 10 લાખની કિંમતના 2 વાહનો મળી કુલ 17 લાખ 54 હજાર 30ના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ કરી હતી.