નાગરિકતા સુધારણા કાયદો અને એનઆરસીની વિરુદ્ધ થઈ રહેલા વિરોધની વચ્ચે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ એનપીઆર અને એનઆરસીને ગરીબો પર હુમલો ગણાવતા જણાવ્યું છે કે, આ નાગરિકતા ટેક્સ છે. દેશનો સમય વેડફવામાં આવી રહ્યો છે. અર્થવ્યવસ્થા પરથી ધ્યાન ભટકાવવા માટે મોદી સરકાર નાગરિકતા કાયદો લઇને આવી છે.
છત્તીસગઢમાં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્વમાં સામેલ થયા બાદ રાહુલે જણાવ્યું હતું કે, પહેલા દુનિયા કહેતી હતી કે ભારત અને ચીન એક જ ઝડપથી આગળ વધી રહ્યા છે પરતું હવે ભારતમાં માત્ર જ હિંસા જ જોવા મળી રહી છે. રાહુલ ગાંધીએ સીએએ અને એનઆરસી પર જણાવ્યું કે, એનઆરસી હોય કે પછી એનપીઆર, બંને ગરીબો પર ટેક્સ છે. નોટબંધી પણ ગરીબો પર ટેક્સના બોજા જેવી હતી. આ ગરીબો પર આક્રમણ છે. લોકોને નોટબંધીની જેમ લાઈનમાં ઉભા રાખવામાં આવશે. દેશનો સમય વેડફવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારે અર્થવ્યવસ્થાથી ધ્યાન હટાવવા માટે આવું પગલું ભર્યું છે. જીડીપીનો દર 9 થી 4 ટકા થઇ ગયો છે, તે પણ એક નવી રીતે. જો જૂની રીતથી જીડીપીની ગણતરી કરવામાં આવે તો દર 4 ટકાથી પણ ઓછો હશે. ગરીબો પૂછી રહ્યા છે કે નોકરી કેવી રીતે મળશે, બેરોજગારીનો દર વધી રહ્યો છે. મહિલાઓ સુરક્ષિત નથી.
અગાઉ મહોત્સવમાં રાહુલે જણાવ્યુ હતું કે, છત્તીસગઢમાં હિંસામાં ઘટાડો થયો છે કારણ કે અહિંયાની સરકાર લોકોનો અવાજ સાંભળે છે. વિધાનસભામાં એક વ્યક્તિની નહીં પરતું તમામનો અવાજ સાંભળવામાં આવે છે. અન્ય રાજ્યોની સ્થિતિ અને દેશભરમાં ખેડૂતોની સ્થિતિ, બેરોજગારી અને અર્થવ્યવસ્થા અંગે લોકોને જાણ છે. પ્રત્યેક ધર્મ, જાતિ, આદિવાસી, દલિત-પછાતની સાથે લીધા વગર ભારતની અર્થવ્યવસ્થાને ચલાવી શકાય નહીં.

