રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનથી ગુજરાતમાં ગરમી વધી, આવતીકાલે અમદાવાદમાં યલો એલર્ટ

ગુજરાત મુખ્ય સમાચાર

મંગળવારે ગુજરાત લોકસભાના મતદાન સાથે ગરમીનો પારો પણ ઉચકાયો હતો. રાજસ્થાન તરફથી ફૂંકાઈ રહેલા ઉત્તર પશ્ચિમના ગરમ પવનથી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આવતીકાલે હવામાન વિભાગે અમદાવાદમાં યલો અલર્ટ જાહેર કર્યો છે. રવિવાર સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જશે.

AMCનો એક્શન પ્લાન
– શહેરના તમામ અર્બન સેન્ટર પર ORSની વ્યવસ્થા કરવામાં આવી છે
– બગીચાઓ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રખાશે અને પીવાના પાણીની વ્યવસ્થા કરાશે
– તમામ આંગણવાડીમાં ORS પેકેટ પહોંચાડવામાં આવશે
– એસ્ટેટ વિભાગ દ્વારા કન્સ્ટ્રક્શન સાઈટો પર પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાશે
– હિટસ્ટ્રોકના દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે આઈસ પેકની વ્યવસ્થા કરવામાં આવી
– AMTSના તમામ બસ ડેપોમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી
– શહેરના તમામ BRTSના બસ સ્ટેન્ડ પર ORS પેકેટનું વિતરણ કરવામાં આવશે
– શહેરમાં છ મોબાઈલ પાણીની પરબ પણ ચાલુ કરવામાં આવી છે

શહેરીજનોને કાળઝાળ ગરમીથી બચવા કોર્પોરેશનની અપીલ
– વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું
– હળવા રંગના સુતરાવ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું
– નાના બાળકો, વૃદ્ધોએ અને ગર્ભવતી સ્ત્રીઓ ઘરેથી નીકળવાનું ટાળવું

આવતીકાલથી પારો ઉચકાશે: હવામાન વિભાગની આગાહી પ્રમાણે એપ્રિલના છેલ્લા સપ્તાહમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. મહત્વનું છે કે હવામાન વિભાગે હજુ સુધી રાજ્યમાં હીટવેવની કોઈ આગાહી નથી આપી. આ સપ્તાહમાં શુક્રવારે 44 ડિગ્રી, શનિવારે 45 અને રવિવારે પણ તાપમાન 45 ડિગ્રી પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કાળઝાળ ગરમી વચ્ચે પણ ગુજરાતીઓએ મતદાન કર્યું હતું. આજે અમદાવાદનું તાપમાન કાલની સરખામણીમાં એક સરખું રહેશે અને આવતીકાલથી પારો ઉચકાશે.