અમદાવાદ / 800 કરોડનું કૌભાંડઃ જગન્નાથજી મંદિરને ગૌ સેવા માટે મળેલી જમીન બિલ્ડર યાસિન ઘાંચીને પધરાવી દીધી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમદાવાદમાં આવેલ જગન્નાથજી મંદિર તેની રથયાત્રા માટે જાણીતું છે. પરંતુ મંદિર દ્વારા જમીનનું રૂપિયા 800 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. મંદિરને મળેલી જમીન મંદિર ટ્રસ્ટએ અન્યને વેચી દીધી છે. આ અંગેની વિગત એવી છે કે AMCએ 1992માં બહેરામપુરાના સર્વે નંબર 138ની 1.27 લાખ ચો.મી. જમીન જગન્નાથ મંદિરના નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને ગાયો માટે આપી પણ ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વિના, કલેક્ટરની અશાંત ધારાની મંજૂરી વિના આ જમીન બિલ્ડર યાસિન ગનીભાઇ ઘાંચીને પધરાવી દીધી.

એક જાગૃત નાગરિકે કરી ફરિયાદ

જમીન ગૌચર માટે આપી હોવા છતાં તેનો કૉમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવાની તૈયારી થઈ ગઈ છે. ગૌચરની જમીન પર ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું કામકાજ ચાલી રહ્યું છે અને તે પૂર્ણ થવાની તૈયારીમાં છે. આમ મોટાપાયે ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. પાલડીના એક જાગૃત નાગરિક દ્વારા આ આરોપ કરવામાં આવ્યા છે અને ફરિયાદ કરવામાં આવી છે.

AMCએ જમીનની રજાચિઠ્ઠી સ્થગિત કરી દીધી

ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વિના જમીન વેચાણ થઇ હોવાની ફરિયાદો છેક ગાંધીનગર સુધી થતાં AMCના અધિકારીઓના પગ નીચે રેલો આવ્યો છે. જેથી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને શો-કોઝ નોટિસ ફટકારી છે. ચેરિટી કમિશનરની પૂર્વ મંજુરીના કાગળો મૂકવા આદેશ કર્યો છે. આ અંગેના દસ્તાવેજો રજુ ન કરાય ત્યાં સુધી AMCએ આ જમીનની રજાચિઠ્ઠી સ્થગિત કરી દીધી છે.

અગાઉ મહંત દિલીપદાસજી મહારાજે યાસીન ઘાંચીને ભાડાપટ્ટે આપી હતી જમીન

ફરિયાદીનું કહેવું છે કે જે જમીનનો વિવાદ છે તે સુએજ ફાર્મની જગ્યા છે. જેની માલિકી AMCની હતી પછી વર્ષ 1992માં સ્ટેન્ડીંગ કમિટીએ ઠરાવ કરી જમીન ગૌ સેવા માટે કાયમી ભાડાપટ્ટે નરસિંહદાસજી ગૌસેવા ટ્રસ્ટ (જગન્નાથમંદિર, જમાલપુર)ને આપી હતી. જેનો હેતુ માત્ર ગાયો માટે ઘાસ ઉગાડવાનો હતો. બાદમાં 2018માં દસ્તાવેજ કરી આ જમીન શ્રી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી વતી ટ્રસ્ટી દિલીપદાસજી મહારાજે યાસીન ગનીભાઇ ઘાંચીને ભાડાપટ્ટે આપી દીધી હતી. જેની સામે વિરોધનો સૂર ઉઠ્યો છે.

ગૌચરની જમીન વેચી દેવાની કૃત્યને ગૌ રક્ષકો વખોડી રહ્યા છે

સુત્રોનું માનીએ તો જે વ્યક્તિને જમીન આપવામાં આવી છે તેને એક સમયના મુખ્યમંત્રી સાથે સારા સબંધ છે અને આથી આ કૌભાંડ થયું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને આ જમીન રૂ.7500માં ટ્રસ્ટને ગૌ સેવા માટે આપી હતી. પછી હવે હેતુ સચવાતો નથી તો પછી આ જમીન મ્યુનિ. તંત્રને પરત આપી દેવી જોઇએ. ગૌચરની જમીન વેચી દેવાની કૃત્યને ગૌ રક્ષકો વખોડી રહ્યા છે અને જરૂર પડે અંગે આંદોલન કરવાની વાત કરે છે.

ટ્રસ્ટની નહીં પણ મહારાજની માલિકીની જગ્યા છેઃ ટ્રસ્ટી મોહન ઝા

આ અંગે મંદિરના ટ્રસ્ટી મોહન ઝા કહે છે કે જે જગ્યાની વાત છે તે ટ્રસ્ટની નહીં પણ મહારાજની માલિકીની છે. કોર્પોરેશને જમીન અમારા મહારાજ જે ખેડૂત હતા તેમને આપી હતી. પરંતુ નામ ટ્રસ્ટનું લખાવ્યું છે. જેથી વિવાદ થયો છે. જમીન વેચી નથી પણ ભાડા પેટે આપી છે. ટ્રસ્ટીનું માનીએ તો આ જમીન અશાંતધરામાં આવતી નથી.

ગૌ સેવા ટ્રસ્ટને શો-કોઝ નોટિસ

મંદિર ટ્રસ્ટ કાઈ ખોટું નહીં થયા હોવાનું ગાણું ગાય છે પણ તંત્રએ ગૌ સેવા ટ્રસ્ટને શો-કોઝ નોટિસ ફટકારી છે. ચેરિટી કમિશનરની પૂર્વ મંજુરીના કાગળો મૂકવા આદેશ કર્યો છે. આ અંગેના દસ્તાવેજો રજુ ન કરાય ત્યાં સુધી AMCએ આ જમીનની રજાચિઠ્ઠી સ્થગિત કરી દીધી છે એ હકીકત છે.