રાજસ્થાનના કોટામાં સ્થિત એક હોસ્પિટલમાં બે દિવસમાં 10 નવજાત શિશુઓની મોતનો મામલો સામે આવ્યો છે. આ મામલે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રાજસ્થાન સીએમ અશોક ગહલોતને પત્ર લખી આ મામલે તપાસ કરવાની અપીલ કરી છે. તેમણે પત્રમાં પ્રાથમિક મેડિકલ સુવિધાઓની વ્યવસ્થા કરવા માટે પણ અપીલ કરી હતી.
આ મામલો કોટાના જેકે લોન હોસ્પિટલનો છે, જ્યાં વિતેલા બે દિવસમાં 10 નવજાત શિશુઓના મોત નીપજ્યા છે. બિરલાએ નવજાત શિશુઓના અકાળ મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ આ મોટા હોસ્પિટલમાં યોગ્ય ચિકિત્સા કર્મચારીઓ અને જીવન રક્ષક ઉપકરણોનો અભાવ હોવાના કારણે દર વર્ષે 800થી 900 શિશુઓ અને 200થી 250 બાળકોના મોત થાય છે.
બિરલાએ ગહલોતને લખેલા પત્રમાં કહ્યું હતું કે માહિતી મુજબ હોસ્પિટલમાં સ્વાસ્થ સંબંધી સુવિધાઓથી સંલગ્ન ઉપકરણો અને સેવાઓનો ભારે અછત છે, તેમજ અહીં યોગ્ય ચિકિત્સકો અને પેરામેડિકલ કર્મચારીઓના ઘણા પદ ખાલી છે. તેમણે આ કારણોને શિશુઓ અને બાળકોના થતા મોત પાછળના મુખ્ય કારણ ગણાવ્યા હતા અને આ મામલે તપાસ કરવા માટે રાજસ્થાન સીએમને અપીલ કરી હતી.