મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના અને ભાજપના ગઠબંધનને બહુમતી તો મળી છે પણ ધાર્યા પ્રમાણે બેઠકો જીતવામાં બંને પક્ષો સફળ થયા નથી.
જોકે શિવસેના આ વખતે કશું જતુ કરવાના મૂડમાં નથી. હજી તો સરકાર બનવાની કવાયત શરૂ થઈ નથી ત્યાં તો મુંબઈમાં આદિત્ય ઠાકરને સીએમ બનાવવાની માંગ સાથેના પોસ્ટરો પણ લાગવા માંડયા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે કે, ભાવિ સીએમ આદિત્ય ઠાકરને અભિનંદન.
શિવસેનાના આક્રમક વલણને જોતા સ્પષ્ટ છે કે, તે આદિત્ય ઠાકરે માટે મુખ્યમંત્રી પદની માંગણી કરી શકે છે. જોકે શિવસેનાની બેઠકો પણ ઘટી છે. સેનાને 56 બેઠકો પર અને ભાજપને 105 બેઠકો પર જીત મળી છે. આ સંજોગોમાં વધારે બેઠકો હોવાના નાતે ભાજપ પણ ફરી મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડનવીસનુ નામ આગળ કરશે તે નિશ્ચત છે.
ઉલ્લેખનીય છે કે, આદિત્ય ઠાકરે વરલી બેઠક પરથી ચૂંટણી લડીને જિત્યા છે. તે ઠાકરે પરિવારના પહેલા એવા સભ્ય છે જેમણે ચૂંટણીમાં ઝુકાવ્યુ હોય.
જો શિવસેના મુખ્યમંત્રી પદ માટે અડી રહેશે તો બંને પાર્ટીઓ વચ્ચે ખટરાગ સર્જાશે તે નિશ્ચિત છે.