સોલા સિવિલમાં ફ્યુમિગેશનની વરાળ ICUમાં પ્રસરતાં વોર્ડ ખાલી કરી 4 દર્દી ખસેડવા પડ્યા, ત્રણ કલાક પછી એકનું મોત

ગુજરાત મુખ્ય સમાચાર

સોલા સિવિલ હોસ્પિટલમાં રવિવારે પોસ્ટ ઓપરેટિવ વોર્ડને જંતુમુક્ત કરવાની પ્રક્રિયા દરમિયાન ફ્યુમિગેશનનું પ્રવાહી વધુ પડી જતા તેની જલદ વરાળ આઈસીયુ સહિતના વોર્ડમાં ફેલાતા દર્દીઓ સહિત તબીબોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. બપોરે સાડા ચાર વાગ્યે બનેલી આ ગંભીર ઘટનામાં તબીબો સહિત દર્દીઓને આંખોમાં બળતરા અને શ્વાસ રૂંધાવા લાગતા તબીબો સહિત પેરામેડિકલ સ્ટાફે દર્દીઓને રીતસર રઝળતા મૂકી દીધા હતા.
આઈસીયુમાં દાખલ ચાર દર્દીને અન્ય વોર્ડમાં ખસેડવા પડ્યા
સ્ટાફ નર્સોની ગંભીર બેદરકારીનો દર્દીઓના સગાંએ ભારે વિરોધ કર્યો હતો. જોકે, ત્યારબાદ આઈસીયુમાં દાખલ ચાર દર્દીને અન્ય વોર્ડમાં ખસેડવા પડ્યા હતા. દર્દી પરષોતમભાઈને છઠ્ઠા માળે એમઆઈસીયુમાં ખસેડયાના ત્રણ કલાક બાદ તેમનું મૃત્યુ થયું હતું. જોકે, હોસ્પિટલ સત્તાધીશોએ દાવો કર્યો હતો કે, તેમનું મૃત્યુ બિમારીના કારણે જ થયું હતું.
સ્ટાફ પણ દર્દીને મૂકીને ભાગી ગયો હતો
મૃતક પરષોત્તમભાઇનાં પુત્ર અશોક ધધુંકિયાએ જણાવ્યું હતું કે, આંખો બળવા લાગતા આઇસીસીયુનો સ્ટાફ પણ દર્દીને મૂકીને બહાર આવી ગયો હતો, આથી મેં તેમને કહ્યું હતું કે, તમે દર્દીને બહાર કાઢો તેમણે કહ્યું તમારે જે કરવું હોય તે કરો. આ ઘટના પછી મેં પોલીસને ફોન કરી વિગત જણાવી હતી. પોલીસ આવી પછી હોસ્પિટલ સ્ટાફ આઇસીસીયુની અંદર ગયા હતા, અને મારા પિતા સહિત અન્ય દર્દીને એમઆઇસીયુમાં શિફ્ટ કર્યા હતા. ત્યાર બાદ હોસ્પિટલ તંત્રે તાત્કાલિક સારવાર શરૂ કરી હોવા છતાં સાંજે 7.12 વાગ્યે મારા પિતાનું મૃત્યુ થયું હતું.
એક દર્દીનું મૃત્યુ કુદરતી રીતે થયું છે
સુપરિન્ટેન્ડેન્ટ ડો.આર.એમ. જીટિયાએ કહ્યું કે, રવિવારે પોસ્ટ ઓપરેટિવ વોર્ડને ફયુમિગેશન ચાલી રહ્યું હતું, જેમાં ફ્યુમિગેશનનું પ્રવાહી ડાયુલેટ કરતી વખતે વધુ પડી ગયું હતું. પરષોતમભાઈ ધંધુકિયાને મલ્ટીપલ બીમારીના કારણે મૃત્યુ થયું હતું. ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.