અમિત શાહે કહ્યું- પેરામિલિટરી ફોર્સના દરેક જવાનને પરિવાર સાથે સમય વિતાવવા માટે 100 દિવસ મળશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કેન્દ્ર સરકાર પેરામિલિટરી ફોર્સના જવાનોને તેમના પરિવાર સાથે સમય વિતાવવા માટે વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે તેની જાહેરાત કરી. તેમણે કહ્યું,“અમે એક એવી યોજના લાવીશું જે અંતર્ગત દરેક જવાનને વર્ષમાં તેમના પરિવાર સાથે સમય વિતાવવાનો મોકો મળશે. કેન્દ્ર સરકાર દેશની સેવામાં લાગેલા જવાનો અને તેમના પરિવારનું ધ્યાન રાખવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઘણી વખત સુરક્ષાદળોને આશ્વસ્ત કર્યા છે કે તેઓ આપણી બોર્ડરની રક્ષા કરે છે અને અમે તેમના પરિવારનું ધ્યાન રાખીશું.”

સરકાર જવાનોના કલ્યાણ માટે યોજનાઓ બનાવી રહી છે- અમિત શાહ

  • ગૃહમંત્રીએ કહ્યું, “અર્ધસૈનિક દળના જવાનોના પરિવારોને સ્વાસ્થ્ય કાર્ડની સુવિધા આપવામાં આવશે. તે અંતર્ગત જવાનોના પરિવારજનો મેડિકલ ચેકઅપ કરાવી શકશે. ગૃહમંત્રાલયે CRPFમાં બી, સી અને ડી કેટેગરી અંતર્ગત લગભગ 35 હજાર પદોનું નિર્માણ કર્યું છે. ”
  • “પ્રધાનમંત્રી મોદીએ જવાનોની સેવાનિવૃત્તિની મર્યાદા 57થી વધારીને 60 વર્ષ કરી દીધી છે. તેમની સરકાર એવી નીતિઓ બનાવશે જેનાથી CRPFના જવાનો અને અન્ય સુરક્ષાદળોનું કલ્યાણ સુનિશ્વિત થઇ શકશે. ”

અમિત શાહે રવિવારે CRPF હેડક્વાર્ટરની આધારશિલા રાખી. લોધી રોડ પર આ ઈમારત 2.23 એકર જમીન પર આકાર લેશે. તેના નિર્માણમાં લગભગ 277 કરોડ રૂપિયાનો ખર્ચો થશે.