ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું, બદલો લઈશું-USની પોતાના નાગરિકોને ઈરાન છોડવાની સલાહ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરીકા દ્વારા એરસ્ટ્રાઈકમાં ઈરાનના કમાંડર જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ બંન્ને દેશો વચ્ચે સ્થિતી વણસતી જોવા મળી રહી છે. અમેરીકાએ ઈરાક-ઈરાન બોર્ડર પાસે બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે આ હુમલો કર્યો હતો. હવે બગદાદમાં સ્થિત અમેરીકન એમ્બેસીએ પોતાના દરેક નાગરિકોને તરત ઈરાક છોડવા માટે કહ્યું છે. બીજી બાજુ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ ટ્વીટ કરી અમેરીકાને ચેતવણી આપી છે.

બગદાદમાં આવેલી અમેરીકન એમ્બેસીએ સ્થિતી જોતા શુક્રવારે બપોરે એક પ્રેસ રિલિઝ જાહેર કરી. તેમાં ત્યાં આસપાસ હાજર તમામ અમેરીકન નાગરિકોને તુરંત અમેરીકા જવાની સલાહ આપી છે. પ્રેસ રિલિઝમાં કહેવામાં આવ્યું છે કે, દરેક નાગરિક તુરંત ત્યાંથી નીકળે અને પછી ભલે તે અમેરીકા પરત જાય કે કોઈ અન્ય દેશમાં જાય. અમેરીકન એમ્બેસીએ દરેક નાગરિકોને ત્રણ વાતનું ધ્યાન રાખવા જણાવ્યું છે કે, ઈરાક ટ્રાવેલ કરે નહી, અમેરીકન એમ્બેસીની પાસે જાય નહી અને દરેક નાના મોટા સમાચારો પર ધ્યાન ચોક્કસ રાખે.

અમેરીકાની આ એરસ્ટ્રાઈટ બાદ ઈરાનનો ગુસ્સો જોવા મળી રહ્યો છે અને તે અમેરીકાના આ કૃત્યનો બદલો લેવાની વાત કરી રહ્યું છે. ઈરાની રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ ટ્વીટ કર્યું કે, જનરલ કાસિમ સુલેમાનીએ ઉગ્રવાદ વિરુદ્ધ જે લડાઈનો ઝંડો ઉઠાવ્યો હતો તેને બુલંદ રાખવામાં આવશે. અમેરીકા દ્વારા જે કૃત્ય કરવામાં આવી રહ્યાં છે તેનો બદલો જરૂર લેવા આવશે.

ઉલ્લેખનિય છે કે, અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરીકન ફોર્સે બગદાદ એરપોર્ટ પર હુમલો કર્યો. આ હુમલામાં ઈરાનની ફોર્સના મોટા કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની સહિત કેટલાંક અન્ય ઓફિસરના મોત થયું, આના લીધે મીડલ ઈસ્ટની સ્થિતી બગડતી જોવા મળી રહી છે. અમેરીકાએ જે એરસ્ટ્રાઈક કરી છે તે બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે થયું છે. જ્યાં જનરલ કાસીમ સુલેમાની અને તેમના સાથીઓ ગાડીમાં જઈ રહ્યાં હતાં ત્યારે ડ્રોનથી ગાડીઓને ઉડાવી દેવામાં આવી.