વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે પાકીસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા ત્યાંના લઘુમતિ સમુદાયોને ભારતનું નાગરિકત્વ આપવા માટેના કેન્દ્ર સરકારના નિર્ણયને વિધાનસભામાં સમર્થન આપવા માટે 10મી જાન્યુઆરીના રોજ વિધાનસભાનું સત્ર મળશે. રાજ્યપાલના આદેશથી આગામી સત્રને બોલાવવામાં આવશે.
મંત્રી જાડેજાએ ઉમેર્યું કે બંધારણના આર્ટીકલ ૧૭૬ની જોગવાઇ મુજબ નવા વર્ષના પ્રથમ સત્રનો શુભારંભ રાજ્યપાલના સંબોધનથી થશે. ત્યારબાદ રાજ્યપાલના પ્રવચન પરના આભાર પ્રસ્તાવની દરખાસ્ત લાવીને રાજ્યપાલશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવશે.
પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની બેઠકો માટેનું આરક્ષણ તથા એગ્લો ઇન્ડીયન જાતિનું પ્રતિનિધિત્વને વધુ ૧૦ વર્ષ માટે લંબાવવાના આશયથી ભારતના બંધારણમાં ૧૨૬મો સુધારો કરતો ખરડો સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યો છે. આ સુધારાને ભારતના બંધારણના આર્ટીકલ ૩૬૮ની જોગવાઇ મુજબ ઓછામાં ઓછા ૫૦ ટકા રાજ્યોના વિધાન મંડળો દ્વારા બહાલી મળવી જરૂરી છે. આવી બહાલી મળ્યા બાદ જ રાષ્ટ્રપતિની મંજૂરી માટે ખરડો મોકલી શકાય એવી જોગવાઇ હોઇ, ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલના આભાર પ્રસ્તાવ બાદ આ સુધારાને સભાગૃહની બહાલી આપવા પ્રસ્તાવ લાવવામાં આવશે.
CAA તથા NRC આનાથી ભારતના લઘુમતિ સમુદાયને કે તેમના નાગરિકત્વ પર કોઇ અસર થવાની નથી. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણયને સમર્થન આપવા માટે વિધાનસભા સત્રમાં આ અંગેનો પ્રસ્તાવ લાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું છે.

