કાશ્મીર ઘાટીઓમાં શરૂઆતની ગડબડ બાદ 80 સરકારી હોસ્પિટલમાં તથા નર્સિંગ હોમમાં ઇન્ટરનેટ સેવાઓને શરુ કરવામાં આવી છે. આ જાણકારી અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. હોસ્પિટલમાં ઇન્ટરનેટ સેવા શરુ કરવાથી ઘાટીમાં રહેલા દર્દીઓ અને સ્વાસ્થ્યકર્મીઓ માટે રાહતના સમાચાર છે.
શ્રીનગરમાં હૃદયરોગ સાથે સંકળાયેલા હોસ્પિટલના ચિકિત્સા અધ્યક્ષ ડોક્ટર સલીમ ટાકે પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, હોસ્પિટલમાં ગુરુવારના રોજ ઇન્ટરનેટ શરુ કરવામાં આવ્યું છે, જે અમારી સાથે સાથે દર્દીઓ માટે પણ રાહતના સમાચાર છે. જમ્મુ કાશ્મીર તંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ કાશ્મીરમાં સ્વાસ્થ્ય વિભાગ સાથે જોડાયેલા તમામ કેન્દ્રો અને કાર્યાલય સહીત 80 સરકારી હોસ્પિટલમાં હાઈસ્પીડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા શરુ કરવામાં આવી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, ઘાટીના લોકોને નવા વર્ષની ભેટ આપવા માટે 31 ડિસેમ્બરની મધ્યરાત્રિથી સરકારી હોસ્પિટલમાં ઇન્ટરનેટ સેવાઓ શરુ કરવાની હતી પરંતુ ટેક્નિકલ ખામીના લીધે સેવાઓ શરુ થઇ શકી નથી.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 હટાવ્યા બાદ તથા રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજીત કરવાની જાહેરાત પહેલાના દિવસ એટલે કે 4 ઓગસ્ટના રોજથી ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

