ગુજરાત શિક્ષણ બોર્ડની સોમવારે મળેલી સામાન્ય સભામાં બોર્ડના સભ્યો દ્વારા કરાયેલા વિવિધ પ્રસ્તાવો મુદ્દે ચર્ચા કરવામા આવી હતી અને કેટલાક પ્રસ્તાવ બોર્ડે સ્વીકાર્યા હતા.જેમાં શિક્ષણ બોર્ડે સીબીએસઈ પેર્ટન મુજબ ધો.૧૦મા ગણિતના બે પેપર રાખવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે. જેથી હવે આગામી વર્ષોમાં ધો.૧૦માં ગણિતમાં લોઅર અને હાયર સ્ટાન્ડર્ડ એમ જુદા જુદા બે પેપર વિદ્યાર્થીઓને મળી શકે છે. સામાન્ય સભાની બેઠકમાં અન્ય પ્રસ્તાવોમાં બોર્ડે ખાનગી ઉમેદવારોની પરીક્ષા તાલુકા કક્ષાએ લેવાનો અને ધો.૧૨ સુધી વિદ્યાર્થીનુ નામ,અટક કે જન્મ તારીખ સુધારી શકવાનો પ્રસ્તાવ પણ સ્વીકાર્યો છે અને તે માટે નિર્ણય કરી ઠરાવ પણ પસાર કરી દીધો છે. આગામી વર્ષથી વિદ્યાર્થી પોતાના એલ.સીમાં અને સ્કૂલ રજિસ્ટરમાં નામ,અટક કે જન્મ તારીખમાં ધો.૧૦ પછી પણ સુધારો કરાવી શકશે.
