લોકસભામાં પસાર કરવામાં આવેલા નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં મંગળવારે નોર્થ ઇસ્ટના રાજ્યોમાં વિદ્યાર્થી સંગઠનો અને ડાબેરી પાર્ટીઓએ બંધનું એલાન કર્યું હતું. અસમ, ત્રિપુરા અને અરુણાચલમાં તેની અસર સામાન્ય જીવન પર જોવા મળી હતી. અસમના ડિબ્રુગઢ અને જોરહાટમાં બિલનું વિરોધ કરનારા લોકોએ આગ લગાવી હતી. અહીં મંગળવારે યોજાનારી દરેક પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. અરુણાચલમાં પણ બંધના લીધે રસ્તાઓ સૂમસામ થઇ ગયા હતા. ત્રિપુરામાં પ્રદર્શનને ધ્યાનમાં રાખીને 48 કલાક સુધી ઇન્ટરનેટ બેન કરી દેવાયું છે.
ઓલ અસમ સ્ટૂડન્ટ યુનિયન અને નોર્થ ઇસ્ટ સ્ટૂડન્ટ ઓર્ગેનાઇઝેશન સિવાય 16 ડાબેરી સંગઠનોએ બંધનું એલાન કર્યું હતું. આ લોકોનું કહેવું છે કે નાગરિકતા સંશોધન બિલ પક્ષપાત કરે છે. તેનાથી નોર્થ ઇસ્ટના લોકોની ઓળખ સિવાય સામાજિક અને સાંસ્કૃતિક ફેબ્રિક ખતરામાં પડી શકે છે.
અસમમાં ટ્રેન સેવાઓ પર પણ અસર, પ્રદર્શનકારીઓ પોલીસ સાથે બાખડ્યાં
ગુવાહાટીમાં વિધાનસભા અને સચિવાલય પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ણણ થયું હતું. પોલીસ પ્રદર્શનકારીઓને આગળ વધવાથી રોકી રહી હતી. ડિબ્રુગઢમાં પ્રદર્શનકારીઓ અને CISF વચ્ચે ઘર્ષણ થયું હતું. પ્રદર્શનકારીઓએ રેલવે લાઇન પર પણ પ્રદર્શન કર્યું હતું જેના લીધે ટ્રેનની સેવા પર અસર પડી હતી.
ત્રિપુરામાં બજાર બંધ, રસ્તાઓ સૂમસામ
ત્રિપુરામાં દુકાનો અને રસ્તાઓ પર વધારે ભીડ જોવા મળી ન હતી. મોટાભાગના બજાર બંધ હતા. અહીં ધલાઇ જિલ્લાની એક બજારની અમુક દુકાનોમાં પ્રદર્શનકારીઓએ આગ લગાવી દીધી હતી. રિપોર્ટ્સ પ્રમાણે આ દુકાનોના માલિક આદિવાસી સમાજ સિવાયના લોકો હતો. તે સિવાય અન્ય અમુક જગ્યાઓ પર પણ આગની ઘટનાઓ જોવા મળી હતી. પોલીસે જણાવ્યું કે બજારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે પરંતુ આગની ઘટનાથી ઘણા દુકાનદારો ડરેલા છે. સમગ્ર ત્રિપુરામાં ટ્રેનની સેવાઓ પર અસર જોવા મળી હતી.
મેઘાલયમાં પણ આગની ઘટનાઓ
અરુણાચલ પ્રદેશમાં શિક્ષણ સંસ્થાનો, બેન્ક અને અન્ય વેપારી સંસ્થાનો બંધ રહ્યા હતા. રસ્તાઓ પર માત્ર સરકારી વાહનો દેખાતા હતા. અહીં ઓલ અરુણાચલ પ્રદેશ સ્ટુડન્ટ યુનિયને બંધનું એલાન કર્યું હતું. સરકારી કચેરીઓમાં પણ કર્મચારીઓની સંખ્યા નહિવત હતી. તે સિવાય મેઘાલયની રાજધાની શિલોંગમાં પણ આગની ઘટનાઓ સામે આવી હતી. ઇસ્ટ ખાલી હિલ્સ જિલ્લામાં પોલીસની ગાડીઓ પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. સંવેદનશીલ વિસ્તારોમાં CRPFની વધારાની ટુકડીઓ તૈનાત કરી દેવાઇ છે.