વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વીસી તરીકે બીજી ટર્મ મેળવનાર પ્રો.પરિમલ વ્યાસના સન્માન સમારોહમાં પૂર્વ વિદ્યાર્થીઓ માટે કરોડોના ખર્ચે ૧૨ માળની બિલ્ડિંગ બનાવવાની જાહેરાત કરાઈ હતી. યુનિવર્સિટી દ્વારા પૂર્વ વિદ્યાર્થીઓને માતૃ સંસ્થા તરફ આકર્ષવા માટે સત્તાધીશો કેટલાક વર્ષોથી કવાયત કરી રહ્યા છે. સિન્ડિકેટ સભ્ય દ્વારા સન્માન સમારોહ દરમિયાન કહેવામાં આવ્યુ હતુ કે યુનિવર્સિટીના ચમેલી બાગ ખાતે કરોડોના ખર્ચે પૂર્વ વિદ્યાર્થીઓ માટે ૧૨ માળની ઈમારત બનાવાશે. જેમાં યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ માટે રહેવા સહિતની તમામ સુવિધાઓ મોજૂદ હશે. દેશમાં આઈઆઈએમ અને આઈઆઈટી જેવી શૈક્ષણિક સંસ્થાઓ પાસે આ પ્રકારના બિલ્ડિંગસ છે. આ ઈમારત બનાવવા માટેનુ ભંડોળ પણ પૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી જ ઉઘરાવવામાં આવશે. બે પૂર્વ વિદ્યાર્થીઓએ તો ૧૦-૧૦ રુમ બાંધી આપવા માટે સંમતિ પણ આપી દીધી છે. સિન્ડિકેટ સભ્યે તો એવી પણ જાહેરાત કરી હતી કે આ વર્ષે દશેરાના દિવસથી ઈમારતની ખાતમૂર્હત કરવામાં આવશે અને ૨૦૨૧ સુધીમાં ઈમારતનુ બાંધકામ પૂર્ણ કરાશે.
