ધો.૧૨ની પ્રેક્ટિકલ પરીક્ષા બોર્ડ દ્વારા લેવા સામે વિરોધ

ગુજરાત શૈક્ષણિક

ધો.૧૨. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા લેવા સામે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં ખુદ બોર્ડના જ સભ્યોએ વિરોધ કર્યો હતો. ધો.૧૨ પછીની પ્રવેશ કાર્યવાહીમાં પ્રેક્ટિકલ પરીક્ષાના માર્ક ગણાવાના નથી. આમ છતા બોર્ડે આ વખતે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનુ નક્કી કર્યુ છે. જેની સામે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારોભાર રોષ છે. જે પી પટેલ અને રમણ પટેલ નામના બે બોર્ડ સભ્યોએ સભામાં બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા નહી લેવા માટે પ્રસ્તાવ મુક્યો હતો. આ સભ્યોએ કહ્યુ હતુ કે ઉચ્ચશિક્ષણમાં પ્રવેશ વખતે કે અન્ય કોઈ જગ્યાએ પ્રેક્ટિકલના ગુણની મેરિટમાં ગણતરી થવાની નહી હોવાથી વિદ્યાર્થીઓને બિન જરુરી ભારણમાંથી મુક્ત કરીને જુન ૨૦૧૯થી શાળાઓને જ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની જવાબદારી સોંપવી જોઈએ.