મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીયો અને માર્ક ઝુકરબર્ગની કંપની ફેસબુક વચ્ચે પાર્ટનરશીપ થયા પછી અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. તેમણે અલીબાબાના સ્થાપક જેક માને પાછળ છોડી દીધા છે. ફેસબુક સાથેના સોદા બાદ અંબાણીની સંપત્તિ 4 અબજ ડોલર વધી 49 અબજ ડોલર થઈ છે. ફેસબુક મુકેશ અંબાણીની જીયોમાં રૂ. 43,574 કરોડનું રોકાણ કરશે. આ રોકાણ બાદ, જીયોમાં ફેસબુકનો હિસ્સો વધીને 9.99% થશે.
અંબાણીની સંપત્તિ જેક મા કરતા 3 અબજ ડોલર વધી
મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ જેક માને પાછળ છોડી ગયા છે. અંબાણીની સંપત્તિમાં જેક માની સરખામણીમાં 3 અબજ ડોલરનો વધારો થયો છે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર, 21 એપ્રિલ સુધીમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 14 અબજ ડોલરનો ઘટાડો થયો હતો જયારે જેક માની સંપત્તિમાં 1 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.
રિલાયન્સના શેરમાં ઉછાળો
ફેસબુક સાથેના સોદાના સમાચાર પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં બુધવારે મોટો ઉછાળો આવ્યો હતો. એક સમયે તે 11% ના વધારા સાથે રૂ. 1375 પર કારોબાર કરી રહ્યો હતો. કારોબારના અંતે RILના શેર 9.83%ના વધારા સાથે રૂ. 1359 પર બંધ થયો હતો. બુધવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. 90,000 કરોડ વધ્યું હતું.
કોઈપણ ભારતીય કંપનીમાં લઘુમતી હિસ્સા માટે આ અત્યાર સુધીની સૌથી મોટી FDI છે. જિયો પ્લેટફોર્મની પ્રી મની એન્ટરપ્રાઇઝ વેલ્યુ લગભગ 66 અબજ ડોલર હશે. રોકાણ બાદ જિઓ પ્લેટફોર્મની કિંમત 4.62 લાખ કરોડ થશે. આ ભાગીદારીથી લોકો અને વ્યવસાય માટે વિશાળ તકો ઉભી થશે.
ડિજિટલ વર્લ્ડના શિખર સુધી પહોંચવાનું ભારતનું સપનું સાકાર થશે: અંબાણી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ફેસબુક સાથેની ભાગીદારીમાં જણાવ્યું હતું કે, અમે 2016માં જિયોની શરૂઆત કરી ત્યારે અમારું એક સ્વપ્ન હતું. તે ભારતનું ડિજિટલ સર્વોદયનું સ્વપ્ન હતું. ડિજિટલ ક્રાંતિ થકી દરીએક ભારતીયનું જીવન બહેતર બનાવવાનું અમારું સપનું છે. આ એક એવી ક્રાંતિ છે જે ભારતને ડિજિટલ વર્લ્ડના શિખરે પહોંચાડે છે. ડિજીટલ ઇકોસિસ્ટમના વિકાસ અને બદલાવ માટે અમે લાંબા ગાળાના ભાગીદાર તરીકે ફેસબુક આવકારીએ છીએ. આ જોડાણથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવામાં મદદ મળશે.