દબાણ દૂર કરવા ગયેલી SMCની ટીમને લારી-ગલ્લાવાળાઓએ દોડાવી દોડાવીને માર માર્યો

ગુજરાત મુખ્ય સમાચાર

સુરતમાં ઠેર-ઠેર લારી-ગલ્લા અને પાથરણાવાળાઓએ રસ્તા પર દબાણ કરી દીધા છે. આ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. 2 જાન્યુઆરીના રોજ જ્યારે SMCની દબાણ ખાતાની ટીમ ચૌટા બજારમાં દબાણ હટાવવાની કામગીરી કરી રહી હતી, ત્યારે સ્થાનિક લારી-ગલ્લા અને પાથરણાવાળાના ટોળાએ SMCની ટીમ પર હુમલો કરીને SMCના ડેપ્યુટી ઇજનેર અને માર્શલને રસ્તા પર દોડાવી-દોડાવીને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે અઠવા પોલીસે ટોળા સામે રાયટીંગનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર સુરતના ચૌટા બજારના રસ્તાઓ સાંકળા છે અને ઉપરથી આ રસ્તા પર લારી-ગલ્લાવાળા અને કેટલાક ફેરીયાઓએ ગેરકાયદેસર દબાણ કર્યું છે અને આ દબાણના કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાય છે અને કેટલીક વાર તો એમ્બ્યુલન્સને પણ નીકળવામાં તકલીફ પડે છે. રસ્તા પર થયેલા આ ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે 2 જાન્યુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનની ટીમ ચૌટા બજારમાં પહોંચી હતી, જ્યારે SMCના કર્મચારીઓ આઈશા ફેશન નામની રેડિમેઈડ કાપડની દુકાનના એંગલ કટરથી કાપતા હતા તે દરમિયાન એક તિખારો દુકાનમાં ઉડતા દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી.

દુકાનમાં આગની ઘટના SMCના કર્મચારીઓની બેદરકારીથી બની હોવાનું કહીને આસપાસના સ્થાનિક દુકાનદાર અને લારી-ગલ્લાવાળા એકઠા થઇ ગયા હતા અને દબાણ ખાતાની ટીમ પર હુમલો કર્યો હતો. લોકોએ SMCના માર્શલની સાથે-સાથે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેર ડી.એન.બસાક અને રાજેશ સુખડિયાને પણ લોકોએ રસ્તા પર દોડાવી-દોડાવીને માર માર્યો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ પથ્થરમારો કરતા ઇજનેર રાજેશ સુખડિયાને માથાના ભાગે પથ્થર વાગતા ત્રણ ટાંકા આવ્યા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ અઠવા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે માતા-પુત્ર સહિત ટોળા સામે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.