ટ્રમ્પ વિરુદ્ધ ઇરાકનો મોર્ચો, અમેરિકન સૈનિકોને હટાવવાની તૈયારીમાં લાગ્યુ ઇરાક

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકાના હવાઇ હુમલાને કારણે ઉભી થયેલી યુદ્ધની સ્થિતિને જોતાં ઇરાક તેની સેના છાવણીઓમાંથી અમેરિકન સૈનિકોને હટાવવાની તૈયારી કરી રહ્યું છે. ઇરાક તેના સંસદમાં આ  માટે મતદાન કરાવે તેવી સંભવાનાઓ છે, કારણ કે અમેરિકન હુમલામાં ઇરાનના જનરલ કાસિમ સુલેમાનીની મોત થયા પછી તેહરાન સમર્થક જૂથો દ્વારા આ સેના છાવણીઓ પર હુમલાની આશંકાઓ વધવા લાગી છે. 

ઇરાકે આ મામલે તેના સુરક્ષા દળોને અમેરિકન સેના બેસથી દૂર રહેવાની આદેશ આપ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, ઇસ્લામિક સ્ટેટના જેહાદી સંગઠનોને રોકવા માટે સ્થાનિક સેનાને તાલીમ આપવા અને મદદ કરવા માટે ઇરાકી બેસમાં આશરે 5200 અમેરિકન સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. આ તૈનાતી આંતરરાષ્ટ્રીય ગઠબંધન હેઠળ નક્કી કરવામાં આવી હતી, જેઓને ઇરાકી સરકારે 2014માં મદદ માટે બોલાવ્યા હતા. 

હાશેડના શિયા જૂથો ઇરાન સાથે નજીકનો સંબંધ ધરાવે છે અને આ સંગઠનો મહીનાઓથી અમેરિકન સૈનિકોની હાજરીનો વિરોધ કરી રહ્યા છે. 

બીજી તરફ ઇરાને કુદ્સ ફોર્સના પ્રમુખ સુલેમાનીની મોત પછી અમેરિકા વિરુદ્ધ આક્રમક રુપ ધારણ કર્યું છે. અહીં સુધી કે ઇરાનના કૌમમાં પ્રમુખ મસ્જિદ પર લાલ રંગનો ઝંડો ફરકાવવામાં આવ્યો છે. શિયા સમુદાયમાં લાલ ઝંડાનો અર્થ બદલાની કાર્યવાહી કે યુદ્ધનું એલાન થાય છે.