અમદાવાદમાં એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

ગુજરાત

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી) અને નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઑફ ઇન્ડિયા (એનએસયુઆઈ)ના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થવાની ઘટના સામે આવી છે.

આ ઘર્ષણમાં પાટીદાર અનામત આંદોલન સમયના હાર્દિકના સાથીદાર નિખિલ સવાણી પણ થાયલ થયા હતા, જેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ઘટનાક્રમને પગલે અમદાવાદમાં પાલડી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યાલયે એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવા પહોંચ્યા હતા.

જ્યાં એબીવીપીના કાર્યકર્તાઓ વિરોધ વ્યક્ત કરવા પહોંચ્યાં હતાં, પરંતુ હાજર પોલીસે તેમને અટકાવ્યા હતા.

એનએસયુઆઈના કાર્યકર્તાઓ મંગળવારે ફરી વિરોધ કરવા માટે ભાજપના કાર્યાલયે પહોંચ્યાં હતાં.

સોમવારે અમદાવાદના આઈઆઈએમની બહાર જે.એ.ન.યુમાં વિદ્યાર્થીઓ સામે થયેલી હિંસાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.

બીબીસીના પ્રતિનિધિ ભાર્ગવ પરીખને ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલે કહ્યું, “હિંસા ઘટના યોગ્ય નથી. પહેલાંથી દેખાવનો કાર્યકમ આવ્યો હોવાથી બંને પક્ષો તરફથી ઉશ્કેરાટ થયો હતો. આ અંગે પોલીસ તપાસ કરશે.”

તેમણે એનએસયુઆઈ પર આરોપ લગાવ્યો હતો કે “એનએસયુઆઈએ કાર્યાલય પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો તે યોગ્ય નથી. જેના કારણે ઉશ્કેરાટ થયો તેની યોગ્ય તપાસ કરવામાં આવશે.”

કૉંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું, “ભાજપ દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.”

“એનએસયુઆઈના કાર્યકરો શાંતિપૂર્ણ દેખાવ કરી રહ્યા હતા, ત્યારે એબીવીપીના કાર્યકરે લાકડી અને અન્ય હથિયારોથી એનએસયુઆઈના કાર્યકરોને મારવા માંડ્યા હતા.”

“પોલીસ મૂકપ્રેક્ષક બનીને જોઈ રહી હતી. અમે આની સામે પોલીસ ફરિયાદ નોંધાવવાના છીએ. હાલમાં અમારી પ્રાથમિક્તા અમારા કાર્યકર્તાની સારવારની છે.”