હાર્દિક-રાહુલની અનુચિત કોમેન્ટ્સને ટીમ ઈન્ડિયાનો સપોર્ટ નથી : કોહલી

ખેલ-જગત મુખ્ય સમાચાર

– ‘જાડેજા જેવો ઓલરાઉન્ડર ટીમમાં હોવાથી હાર્દિક પંડયાની ગેરહાજરીથી જરાય ચિંતિત નથી’

– ભારતીય કેપ્ટનની કોમેન્ટ : અમે આ વાત તેમને જણાવી દીધી છે

સીડની, તા.૧૧

મહિલાઓ અંગેની કોમેન્ટસને કારણે વિવાદમાં સપડાયેલા હાર્દિક પંડયા અને લોકેશ રાહુલના મામલે ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીએ મક્કમ સ્ટેન્ડ લેતાં ભારપૂર્વક કહ્યું હતુ કે, તેમણે કરેલી મહિલાઓ અંગેની અનુચિત કોમેન્ટને ટીમ ઈન્ડિયા સપોર્ટ કરતી નથી અને અમે આ વાત તેમને જણાવી દીધી છે. કોહલીએ એમ પણ ઉમેર્યું હતુ કે, હાર્દિક-રાહુલના વિવાદને કારણે ભારતીય ટીમના ડ્રેસિંગરૃમના જુસ્સાભર્યા વાતાવરણને જરાય અસર થઈ નથી. 

બીસીસીઆઇએ તપાસ પુરી ન થાય ત્યાં સુધી હાર્દિક પંડયા અને લોકેશ રાહુલને સસ્પેન્ડ કરી દીધા છે. જોકે ભારતીય કેપ્ટન કોહલીએ કહ્યું હતુ કે, ટીમ ઈન્ડિયાના રવિન્દ્ર જાડેજા જેવો ઓલરાઉન્ડર સામેલ છે, જેના કારણે હાર્દિક પંડયાની ગેરહાજરીથી હું જરાય ચિંતિત નથી. કોહલીએ ઊમેર્યું ેકે, હાર્દિક અને રાહુલના શ્રેણી માં ઉપલબ્ધ રહેવા અંગેનો નિર્ણય બીસીસીઆઇ લેશે.

કોહલીએ વન ડે શ્રેણી અગાઉ કહ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમ અને જવાબદાર ક્રિકેટર તરીકે હું એટલો તો કહી જ શકું કે, અમે ચોક્કસપણે તે મંતવ્યોને સમર્થન આપતાં  નથી અને તે પૂર્ણતઃ વ્યક્તિગત મંતવ્ય હતા.સંબંધિત બંને ખેલાડીઓને અહેસાસ છે કે, શું ખોટુ થયું છે અને તેમને એ પણ ખબર પડી છે કે, તેની ગંભીરતા કેટલી છે. 

કોહલીએ ઊમેર્યું કે, સ્વાભાવિક રીતે તે બાબત કોઈને પણ આઘાતજનક લાગી શકે અને ખેલાડીઓને પણ એ બાબતનો અહેસાસ થયો હશે કે જે થયું તે યોગ્ય નથી થયું. અમે હજુ પણ બીસીસીઆઇના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. 

ભારતીય ટીમના ડ્રેસિંગરૃમ પર આ ઘટનાની અસર પડી હોવા અંગેના પ્રશ્નના જવાબમાં કોહલીએ કહ્યું કે, જે પણ બન્યું કે, દૂર્ભાગ્યપૂર્ણ હતુ. જોકે આ બધી બાબત નિયંત્રણ બહારની હોય છે. તમારે પરિસ્થિતિને અનુકૂળ બનીને તેને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું હોય છે. જોકે ભારતીય ટીમના ડ્રેસિંગરૃમ પર તેની કોઈ અસર નથી. અમારા ખેલાડીઓની નજર જીત તરફ છે અને તેઓનો જુસ્સો આસમાનને આંબી રહ્યો છે.

નિવૃત્તિ બાદ કોઈ પણ લીગમાં નહિ રમું 

છેલ્લા કેટલાક સમયથી સુપરસ્ટાર ક્રિકેટરો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને માત્ર ટ્વેન્ટી-૨૦ લીગમાં રમતાં જોવા મળતા હોય છે. જોકે ભારતીય કેપ્ટન કોહલીએ કહ્યું છે કે, હું નિવૃત્તિ લઈ લઈશ તે પછી ફરી બેટ પકડવાનો નથી, એટલે નિવૃત્તિ બાદ કોઈ પણ લીગમાં રમવાનો પ્રશ્ન જ નથી. હું તો આ પ્રકારની લીગની આસપાસ પણ નહી ફરકું. તાજેતરમાં ડી વિલિયર્સ તેમજ મેક્કુલમ જેવા ઘણા ખેલાડીઓ નિવૃત્તિ બાદ આંતરરાષ્ટ્રીય લીગમાં રમતાં જોવા મળી રહ્યા છે.જોકે કોહલી તેમાં જોડાવાનો નથી.