ગોવા વિધાનસભામાં સીએએના સમર્થનમાં પ્રસ્તાવ પસાર કરનાર સૌપ્રથમ રાજ્ય બન્યું

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દેશભરમાં નાગરિક સંશોધન કાયદા (સીએએ)ને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે ગોવા સરકારે વિધાનસભામાં સીએએના સમર્થનમાં તેને બિરદાવતો પ્રસ્તાવ પસાર કર્યો છે. સીએએ સમર્થનમાં પ્રસ્તાવ પસાર કરનાર ગોવા દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે, ભાજપના નેતૃત્વની કેન્દ્ર સરકારે સીએએનો ઐતિહાસિક નિર્ણય લીધો છે અને ગોવા વિધાનસભામાં તેને બિરદાવતો પ્રસ્તાવ પસાર કરાયો છે. આમ ગોવાના લોકોએ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.   

ગોવા વિધાનસભાએ સોમવારે પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને સીએએ અમલમાં લાવવા બદલ અભિનંદનનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. જો કે આ પ્રસ્તાવ રજૂ કરાતા જ વિપક્ષ કોંગ્રેસ તેમજ ગોવા ફોરવર્ડ પાર્ટીએ ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો અને વોકઆઉટ કર્યો હતો.   

40 સભ્યોના ગૃહમાં ભાજપ પાસે સ્પીકર સહિત 27 ધારાસભ્યો છે અને તમામ સભ્યો આ પ્રસ્તાવ વખતે હાજર હતા. બે સ્વતંત્ર ધારાસભ્યોનું સમર્થન પણ ભાજપને મળેલું છે. એનસીપીના ધારાસભ્ય ચર્ચિલ અલમાઓ રાજ્ય સરકારને ટેકો આપી રહ્યા છે પરંતુ તેઓ ગૃહમાં ગેરહાજર રહ્યા હતા. ગોવા વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે જ અતાનાસિયો મોનસેર્રાટે અને ક્લાફાસિયો ડાયસ દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. વિપક્ષમાં કોંગ્રેસના પાંચ અને જીએફપીના ત્રણ ધારાસભ્યો ઉપરાંત મહારાષ્ટ્ર ગૌમંતક પાર્ટીના એક અને અપક્ષ સહિત બે સભ્યો ગૃહમાં છે જેમણે વોકઆઉટ કર્યો હતો.