નીતીશની કેટલીક દુ:ખતી નસ ભાજપના હાથમાં છે એટલે તેમને નચાવી રહી છે: કોંગ્રેસ

મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસે બુધવારના રોજ કહ્યું કે તેમને ખબર પડી ગઈ છે કે ભાજપ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની કેટલીક દુ:ખતી નસો અને નબળાઈઓને ઓળખી ગયું છે તેથી તેનો જ લાભ ઉઠાવીને નાગરિકતા સુધારણા કાયદા અને આરક્ષણ ‘મૂળ અધિકાર’ વિષય પર ચાલી રહેલા વિવાદ પર જેડીયૂ નેતાને પોતાની આંગળીના ઈશારા પર નચાવી રહી છે. કોંગ્રેસના બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે આ પ્રકારનું નિવેદન આપ્યું છે. 

જોકે, આ સાથે જ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમનું આ નિવેદન કેન્દ્રના બે ઉચ્ચ નેતાના કામ કરવાની પદ્ધતિ પર આધારિત છે. ગોહિલે પોતાના આ નિવેદન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ તરફ ઈશારો કરતા કહ્યું કે, જો મને નીતીશ કુમારની નબળાઈઓ વિશે કોઈ ચોક્કસ માહિતી હોત તો હું તે પણ દેશની જનતા સમક્ષ જાહેર કરી દેત. 

શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, હું દિલ્હીનો નહીં ગુજરાતનો રહેવાસી છું અને તે બંને સજ્જનો જેવી રીતે કામ કરે છે તેમની પદ્ધતિ હું જાણું છું. તેથી મને એ પણ ખબર છે. તેમની વિરુદ્ધમાં કામ કરનારા કે તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરનારા લોકો પર તેઓ તૂટી પડે છે. નીતીશ કુમારની નબળાઈઓમાં એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા ચાલતા કેસો, પરિવાર સંબંધિત કેટલીક ખોટી રજૂઆતો અથવા વિવાદિત સીડીના રૂપમાં હોઈ શકે છે.