મોદી કેબિનેટનો મોટો નિર્ણય, દેશમાં બનશે 75 નવી મેડિકલ કોલેજો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઇ હતી. જેમાં સરકારે એક મોટો નિર્ણય લેતા દેશભરમાં 75 નવી મેડીકલ કોલેજ ખોલવાનું એલાન કર્યું છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણય અંગે માહિતી આપતા કહ્યું કે આ નવી 75 મેડિકલ કોલેજનું નિર્માણ 24 હજાર કરોડ રૂપિયાના ખર્ચે કરાશે. જેમાં 15,700 જેટલા નવા ડોક્ટર્સની ભરતી કરાશે. આ પ્રક્રિયા બાદ ગ્રામીણ વિસ્તારોમાં પણ ડોકટર્સ ઉપલબ્ધ હશે.

કેન્દ્રીય કેબિનેટે શેરડીના ખેડૂતોને નિકાસ સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. જાવડેકરે કહ્યું કે શેરડીના ખેડૂતોને રાહત આપવા માટે 60 લાખ મેટ્રીક ટન ખાંડની નિકાસની સબસિડી આપવામાં આવશે. આ નાણા સીધા ખેડૂતોના ખાતામાં જશે. જેથી ખેડૂતોને હવે નુકસાન સહન કરવાનો વારો નહીં આવે.

મોદી સરકારે આંતરરાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટની રચનાનો પણ નિર્ણય કર્યો છે. જેનું એલાન પીએમ મોદી યુએનની મહાસભાને સંબોધન દરમિયાન કરશે. સરકારે દાવો કર્યો કે તેમના કાર્યકાળમાં એફડીઆઇના નિયમો વધુ ઉદાર બનાવવામાં આવ્યા છે. જેના કારણે છેલ્લા પાંચ વર્ષમાં એફડીઆઇમાં દોઢ ગણો વધારો નોંધાયો છે. સરકારે કોલ માઇનિંગના દરેક ક્ષેત્રમાં ઓટોમેટીક રૂટ મારફત 100 ટકા એફડીઆઇને મંજૂરી આપી છે.