ઉપરાવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે આવેલ સરદાર સરોવર નર્મદા ડેમેમાં આજે પ્રથમવાર 134.14 મીટરની ઐતિહાસિક સપાટી નોંધાઇ છે. નર્મદા ડેમમાં 4,49,487 ક્યુસેક પાણીના ઇનફલો સામે 4,49,267 ક્યુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો. નિગમ ચેરમેને જણાવ્યું કે, નર્મદા ડેમમાં બે વર્ષ ચાલે તેટલું પાણી છે. અને નર્મદા ડેમને પૂર્ણ ક્ષમતાએ ભરવામાં આવશે.
સરદાર સરોવર ડેમની સપાટી હાલ 134.06 મીટર ઉપર પહોંચી ગઇ છે. નર્મદા ડેમ તેની મહત્તમ 138 મીટરની સપાટીથી માત્ર 4 મીટર દૂર છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી હજી પણ 4.60 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે, જેથી હાલ ડેમના 23 દરવાજા 3.5 મીટર સુધી ખોલીને નર્મદા નદીમાં 4.20 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 93.54 ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 32 જળાશયો છલકાયા છે. 57 જળાશયોમાં 70થી 100 ટકા પાણી છે. 22 જળાશયો 50થી 70 ટકા ભરાયા છે. જ્યારે સરદાર સરોવરમાં 84.84 ટકા જળસંગ્રહ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને કચ્છ ઝોનમાં ગત વર્ષની સરખામણીએ 100 ટકા વરસાદ વરસ્યો છે.

