કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઘરેલુ ગેસની કિંમતમાં ધરખમ વધારાને લઇને ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સ્મૃતિ ઇરાનીનો એક જૂનો ફોટો શેર કરી એલપીજીના વધેલા ભાવ મુદ્દે કટાક્ષ કર્યો છે.રાહુલ ગાંધીએ ટ્વીટર પર યુપીએ સરકારના કાર્યકાળ વખતની એક તસવીર શેર કરી છે. જેમાં સ્મૃતિ ઇરાની ગેસ સિલિન્ડર લઇને રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહેલા નજરે પડે છે.
રાહુલ ગાંધીએ તસવીર નીચે કેપ્શનમાં લખ્યું કે હું ભાજપના આ સભ્યો સાથે સહમત છું કે જેઓ એલપીજી સિલિન્ડરમાં 150 રૂપિયાના જંગી વધારાનો વિરોધ કરી રહ્યા છે. હેશટેગ રોલ બેક હાઇકના માધ્યમથી રાહુલ ગાંધીએ ગેસની વધેલી કિંમતો પરત લેવાની માંગ કરી છે.
રાહુલ ગાંધીએ શેર કરેલી સ્મૃતિ ઇરાનીની આ તસવીર 1 જુલાઇ 2010ની છે. તે સમયે સ્મૃતિ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ હતા. તે સમયે સ્મૃતિએ તત્કાલીના બંગાળના ભાજપ પ્રમુખ રાહુલ સિન્હા સાથે કોલકાત્તામાં ધરણા યોજ્યા હતા. સ્મૃતિ ઇરાનીએ ઇંધણના વધી રહેલી કિંમત વિરૂદ્ધ પાર્ટી કાર્યકર્તાઓ સાથે મળીને રસ્તો જામ કર્યો હતો.
ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: મોંઘો થયો રાંધણ ગેસ સિલિન્ડર
બુધવારે જનતાને એક મોટો ઝટકો લાગ્યો છે. આજે સબસિડી વિનાના ઘરેલૂ ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો થયો છે. ઇન્ડિયન ઑઇલની વેબસાઇટ અનુસાર, દિલ્હીમાં 14.2 કિલો વાળો સિલિન્ડર 144.50 રૂપિયા મોંઘો થઇ ગયો છે. તેના ભાવ હવે વધીને 858.50 રૂપિયા થઇ ગયો છે. સાથે જ કલકત્તામાં તેમાં 149 રૂપિયાના વધારા સાથે ભાવ 829.50 રૂપિયા થઇ ગયો છે. સાથે જ ચેન્નઇમાં 147 રૂપિયાના વધારા સાથે ભાવ 881 રૂપિયા થઇ ગયો છે. જણાવી દઇએ કે આ વર્ષે એક જાન્યુઆરી બાદ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા ન હતાં.
જાન્યુઆરીમાં આટલા વધ્યાં હતાં ભાવ
નવા વર્ષમાં એક જાન્યુઆરી 2020ના રોજ સતત ચોથા મહિને રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો હતો. ત્યારે દેશના પ્રમુખ મહાનગરોમાં સબસિડી વિનાનો ગેસ સિલિન્ડર આશરે 19.00 રૂપિયા મોંઘો થઇ ગયો હતો. તેની પહેલાં ગ્રાહક દિલ્હીમાં 14.2 કિલોના સબસીડી વિનાના સિલિંડર માટે 714.00 રૂપિયા ચુકવી રહ્યાં હતા. કલકત્તામાં તેના ભાવ 747 રૂપિયા હતો. સાથે જ મુંબઇ અને ચેન્નઉમાં 14.2 કિલોના સબસીડી વિનાના સિલિંડરના ભાવ અનુક્રમે 684.50 અને 734.00 રપિયા હતો.

