કોરોનાવાઈરસનું સંક્રમણ વધ્યુ તો ભારતમાં દવા, મોબાઈલ અને વાહન મોંઘા થાય તેવી શકયતા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ચીનમાં કોરોનાવાઈરસનું સંક્રમણ જો વધશે તો ચીનની અર્થવ્યવસ્થા સિવાય ભારતની અર્થવ્યવસ્થા અને આમ લોકો પર પણ તેની અસર થશે. આયાતને અસર થવાના પગલે કાર, સ્માર્ટફોન, ઈલેક્ટ્રોનિક્સ અને કેટલીક દવાઓની કિંમતમાં વધારો થઈ શકે છે. હાલ એવી પણ એક શકયતા છે કે કોરોનાવાઈરસથી ચીનના કેટલાક પ્રાંતોમાં રજાઓ લાંબી ખેંચાઈ શકે છે. જો આમ થાય છે તો ચીનથી થતી આયાત ખેરવાઈ શકે છે. તેનાથી ઉદ્યોગની સાથે ગ્રાહકો પર પણ દબાણ વધશે.

ઓટો મેન્યુફેકચરિંગમાં 8.3% ઘટાડાની શકયતા

ચીન, ભારતના સૌથી મોટા ઓટોમોટિવ કંપોનન્ટમાંથી એક છે. એવામાં ચીનમાં તૈયાર થતી વસ્તુઓની અછતના કારણે ભારતીય ઓટો ઈન્ડસ્ટ્રીનું પ્રોડક્શન ઘટાડવું પડશે. ભારત ઓટો કમ્પોનન્ટની જરૂરિયાતની 10થી 30 ટકા આયાત ચીનમાંથી કરે છે. ઈલેક્ટ્રિક વાહન ઉદ્યોગની વાત કરવામાં આવે તો તે બેથી ત્રણ ગણી વધારે છે. આયાત માટે બીજા બજારોમાં જવાથી કાર બનાવવાનો ખર્ચ વધી શકે છે. તેની અસર ગ્રાહકો પર પડશે. રેટિંગ એજન્સી ફિચે 2020માં ભારતમાં ઓટો મેન્યુફેકચરિંગમાં 8.3 ટકાના ઘટાડાની શકયતા વ્યક્ત કરી છે.

ભારત 80 ટકા મેડિકલ ઉરકરણોની આયાત કરે છે

ભારત બલ્ક ડ્રગ અને તેના ઈંન્ગ્રીડિએન્ટ્સની 70 ટકા આયાત ચીનમાંથી કરે છે. દવાઓ બનાવવા માટે API(એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઈન્ગ્રીડિએન્ટ્સ)અને કેટલીક દવાઓ માટે ભારત ચીનના બજાર પર ખૂબ જ વધુ નિર્ભર છે. કોરોનાવાયરસનું સંક્ટ જો વધ્યું તો હેલ્થકેર સેકટર પણ પ્રભાવિત થઈ શકે છે. વાઈરસના કારણે છેલ્લા થોડા સમયથી ચીનની મોટાભાગની કંપનીઓમાં કામ રોકવામાં આવ્યું છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ભારત પેનસિલીન-જી જેવી ઘણી દવાઓ માટે સંપૂર્ણ રીતે ચીન પર નિર્ભર છે. ભારત મેડિકલ સાધનોની 80 ટકા આયાત કરે છે અને આ આયાતમાં ચીનનો મુખ્ય હિસ્સો છે.

પર્યટનને અસર થશે, એવિએશન સેક્ટરને પણ નુકસાન થશે

કોરાનાવાઈરસની અસર ટ્રાવેલ અને ટુરિઝમ સેકટર પર પણ પડશે. 2019માં ભારત આવનાર વિદેશીઓમાં 3.12 ટકા ચીનના હતા. છેલ્લા થોડા સમયથી ચીન આવનાર મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. જોકે કોરોનાવાયરસની અસરના કારણે ચીનથી આવનારા પર્યટકોની સંખ્યામાં ઘટાડો થશે. બીજી તરફ ભારતનું એવિએશન સેક્ટર પણ પ્રભાવિત થશે. કેટલાક એરલાઈન્સે ચીનની ફલાઈટ્સ અચોક્કસ રીતે બંધ કરી દીધી છે. કેયર રેટિંગ્સનું કહેવું છે કે ચીન અને હોંગકોંગની ફ્લાઈટ બંધ કરવામાં આવતા ભારતીય એરલાઈન્સને પ્રતિ ફ્લાઈટ 55-72 લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

સ્માર્ટફોન મોંઘા થવાની શકયતા, વેચાણ 10 ટકા કે 15 ટકા ઘટી શકે છે

ભારત પોતાના ઈલેક્ટ્રોનિક ગુડસનો 6-8 ટકા હિસ્સો ચીનને નિકાસ કરે છે જ્યારે પોતાની જરૂરિયાતનો 50-60 ટકા ચીનમાંથી આયાત કરે છે. ચીનમાં કમ્પોનન્ટ ફેકટરીઓ બંધ થવાની અસર ભારતમાં અગ્રણી સ્માર્ટફોન કંપનીઓ પર દેખાવવા લાગી છે. સ્ટોક ખોરવવાને કારણે શ્યાઓમીએ સ્માર્ટફોન કમ્પોનન્ટની કિંમત વધવાની શકયતા વ્યક્ત કરી છે. તેનાથી ફોન મોંઘા થશે. રિટેલર્સનું કહેવું છે કે ચીનથી આયાત થનાર આઈફોન11 અને 11પ્રો મોડલનો સ્ટોક પુરો થનાર છે. ઉદ્યોગ જગતનું માનવું છે કે ચીનમાંથી સ્ટોક ન મળવાને પગલે અગામી સપ્તાહથી ઘરેલુ બજારમાં હેન્ડસેટનું ઉત્પાદન અટકી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક દરમિયાન સ્માર્ટફોનના વેચાણમાં 10-15 ટકા ઘટાડો આવી શકે છે.

ચીનમાં 70000 થિએટર બંધ, તેનાથી ભારતની એન્ટરટેન્ટમેન્ટ ઈન્ડસ્ટ્રીને પણ નુકસાન થશે

હાલના સમયમાં ચીનના બજારમાં ભારતીય ફિલ્મોની માંગ વધી છે. દંગલ, 3 ઈડિયટ્સ જેવી ફિલ્મોને ચીનમાં સારો રિસપોન્સ મળ્યો છે. જોકે રિલિઝ માટે તૈયાર થયેલી ફિલ્મોને કોરોનાવાઈરસના કારણે નુકસાન ઉઠાવવાનો વારો આવી શકે છે. કોરોનાવાયરસ ફેલાયા બાદ ચીને લગભગ 70,00 થિયેટર બંધ કર્યા છે.

ક્રૂડ ઓઈલના રેટ ઘટવાથી પેટ્રોલ-ડિઝલ સસ્તું થશે
ચીન ક્રૂડ ઓઈલનું મોટું ઈમ્પોર્ટર છે. જોકે કોરોનાવાઈરસની અસરથી ત્યાં ક્રુડ ઓઈલની માંગ ઘટી છે. તેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં સતત પાંચમાં સપ્તાહે ઘટાડો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ દોઢ મહિનામાં 10 ડોલર સસ્તું થઈને 55 ડોલર પ્રતિ બેરલે આવી ગયું છે. ક્રૂડના રેટ ઘટવાથી ઓઈલ કંપનીઓ માટે આયાત સસ્તી થશે. તેનાથી પેટ્રોલ-ડિઝલના ભાવ પણ ઘટશે.