LRD વિવાદ : અનામત અને બિનઅનામત વર્ગનાં યુવતીઓ રૂપાણી સરકારને કેમ ઘેરી રહી છે?

Uncategorized

ગુજરાતમાં SC, ST, OBCના અનામત મામલે પરિપત્રને લઈને ચાલતા આંદોલનમાં હવે નવો વળાંક આવ્યો છે.

છેલ્લા 60 દિવસ કરતાં વધુ સમયથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એસસી, એસટી, ઓબીસી સમાજનાં મહિલા ઉમેદવારો સરકારના પરિપત્ર સામે વિરોધ કરી રહ્યાં છે.

મહિલાઓના આંદોલન બાદ ગુજરાત સરકારે એ વિવાદિત પરિપત્ર રદ કરવાનો નિર્ણય કર્યો હતો.

ગુજરાત સરકારે એ પરિપત્ર રદ કરવાની જાહેરાત કરી એ બાદ હવે બિનઅનામત વર્ગનાં મહિલા ઉમેદવારો મેદાને આવ્યાં છે.

તેમનું કહેવું છે કે સરકારે આ પરિપત્ર રદ કરીને અમને અન્યાય કર્યો છે.

ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમે બિનઅનામત જ્ઞાતિના પ્રતિનિધિઓની માગણી સાંભળીશું. આ સમાજની લાગણી અમે મુખ્ય મંત્રી સુધી પહોંચાડીશું.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેમની અને પ્રદીપસિંહની હાજરીમાં બિનઅનામત વર્ગના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવશે.

પરિપત્રની તરફેણ અને વિરોધ

આંદોલન કરતાં એસસી,એસટી, ઓબીસી સમાજના લોકો

એલઆરડીની પરીક્ષા આપનારાં અનામત વર્ગનાં મહિલા ઉમેદવારોની ફરિયાદ હતી કે સરકારે બિનઅનામત વર્ગમાં અનામત વર્ગનાં યોગ્ય મહિલા ઉમેદવારોને મેરિટ યાદીમાં સ્થાન આપ્યું નથી.

રાજકોટથી આવેલાં પૂજા સાગઠિયા ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યાં છે.

બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં તેઓ કહે છે, “અમે છેલ્લા 64 દિવસથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યાં છીએ અને છેલ્લા 21 દિવસથી સાત બહેનોએ અને સક્સેનાસાહેબે ઉપવાસ શરૂ કર્યા છે.”

તેમનું કહેવું છે, “ગુજરાત સરકાર એવું ઇચ્છે છે કે અમે ભણીને આગળ ન વધીએ. જો ભણીએ તો ગુજરાત સરકાર સામે આંદોલન કરી શકે ને, એટલે ગુજરાત સરકારે આ પરિપત્ર દાખલ કર્યો છે.”

આંદોલન કરનારાં મહિલા ઉમેદવારો કહે છે કે આ પરિપત્ર ગેરબંધારણીય છે.

તેઓ કહે છે, “શું અમે એસસી, એસટી, ઓબીસીમાં જન્મ લીધો એ અમારો ગુનો છે, મહિલા છીએ એ અમારો ગુનો છે?”

પૂજાબહેન કહે છે કે ડૉક્યુમૅન્ટ વેરિફિકેશન સુધી એસસી, એસટી, ઓબીસીની બહેનોને જનરલમાં ગણવામાં આવી હતી, પણ જ્યારે ફાઇનલ રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું ત્યારે એસસી, એસટી, ઓબીસીની બહેનોને જનરલમાંથી કાઢીને અનામતના ક્વૉટામાં સામેલ કરવામાં આવી હતી. જેને કારણે અમારી બહેનોને અન્યાય થયો છે.

બિનઅનામત વર્ગના લોકો જે પરિપત્ર રદ થતાં વિરોધ કરે છે.

તો અન્ય મહિલા ઉમેદવારો પરિપત્ર રદ કરવાના સરકારના નિર્ણયને એકતરફી ગણાવે છે.

શીતલબા વાઘેલા કહે છે કે આ સરકાર કોઈ પણ નિર્ણય સરખી રીતે લઈ નથી શકતી. સરકાર એવા નિર્ણયો જ શું કામ લે છે કે વિરોધનો સામનો કરવો પડે. સરકારને ખુદને ખબર નથી કે મારે શું નિર્ણય લેવો.

અન્ય મહિલા ઉમેદવારોનું કહેવું છે કે અનામતવાળા અને બિનઅનામતવાળા કોઈને પણ અન્યાય ન થવો જોઈએ. આથી અમે પણ હવે આંદોલન માટે તૈયાર છીએ. સરકારે બધા સમાજની દીકરીઓને ન્યાય આપવો જોઈએ.

સરકારના પરિપત્રમાં એવો ઉલ્લેખ છે કે જો મેરિટના આધારે અનામતવાળાં મહિલા ઉમેદવારો પસંદગી પામે તો તેઓને અનામતના ક્વૉટામાં ગણવા.

નોંધનીય છે કે ગાંધીનગરમાં 62 દિવસથી વધુ સમયથી ઓબીસી-એસસી, એસટી સમાજનાં મહિલા ઉમેદવારો ધરણાં કરી રહ્યાં હતાં.

અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસીના સત્તાપક્ષના સાંસદો અને ધારાસભ્યોએ જ નહીં અનામત વર્ગના કેટલાક મંત્રીઓએ પણ અનામત વર્ગનાં મહિલાઓને એલઆરડીની ભરતીમાં અન્યાય અંગે મુખ્ય મંત્રીને પત્ર લખ્યા હતા.

અગાઉ શ્રમ અને રોજગારમંત્રી દિલીપ ઠાકોરે બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખને જણાવ્યું, “અલગઅલગ સમાજના લોકોની રજૂઆતો ઘણા સમયથી મળી રહી હતી જેના સંદર્ભમાં અમે આજે ઓબીસી અને અન્ય જ્ઞાતિના આગેવાનો સાથે મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક કરી હતી.”

“આ બેઠકમાં એલઆરડી મુદ્દે પરિપત્રમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. હવે કોઈ પણ સમાજને અન્યાય ન થાય તે પ્રકારે નવો પરિપત્ર જાહેર કરવામાં આવશે.”