તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ અર્દોગને (Recep Tayyip Erdogan)કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. અર્દોગને પાકિસ્તાનની (Pakistan) સંસદમાં સંયુક્ત સત્રને સંબોધિત કરતા કહ્યું હતું કે આપણા કાશ્મીરી ભાઈ-બહેન દશકોથી ઘણું બધુ સહન કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે ભારતનું નામ લીધા વગર કહ્યું હતું કે હાલમાં ઉઠાવેલા એકતરફી પગલાના કારણે તેમની પીડા વધી ગઈ છે. કાશ્મીર મુદ્દો (Kashmir)સંઘર્ષ કે દમન દ્વારા ઉકેલી શકાય નહીં. આ મુદ્દાને ન્યાય અને પારદર્શિતાથી હલ કરી શકાય છે. આ રીતે આવેલ સમાધાન જ બધા પક્ષોના હિતમાં હશે.
એર્દોગને કહ્યું હતું કે તુર્કી (Turkey)ના કૈનાકલેમાં જે 100 વર્ષ પહેલા થયું હતું તે હવે કાશ્મીરમાં થઈ રહ્યું છે. તુર્કી આ દમન સાથે પોતાનો અવાજ ઉઠાવવાનું જારી રાખશે. પાકિસ્તાન અને તુર્કીની દોસ્તી હિતો પર નહીં પ્રેમ પર આધારિત છે. આજે કાશ્મીરનો મુદ્દો જેટલા તમારા દિલની નજીક છે તેટલો અમારા પણ છે. પહેલાની જેમ અમે ભવિષ્યમાં પણ આ મુદ્દા પર પાકિસ્તાનને સમર્થન આપવાનું યથાવત્ રાખીશું. ઉલ્લેખનીય છે કે તુર્કીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં પણ કાશ્મીર મુદ્દા પર આવું જ વલણ અપનાવ્યું હતું.
તુર્કીના રાષ્ટ્રપતિએ આતંકવાદ ખતમ કરવાના પાકિસ્તાનના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન શાંતિ અને સ્થિરતાના રસ્તે છે. શાંતિ અને સ્થિરતા થોડાક દિવસોના પ્રયત્નોથી આવતી નથી. આ માટે લાંબા સમય સુધી સતત મહેનત કરવી પડશે. પાકિસ્તાન અને તુર્કી પોતાના ભૌગોલિક સ્થિતિના કારણે આતંકવાદથી સૌથી વધારે પ્રભાવિત છે. તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે FATFના બ્લેકલિસ્ટમાંના ખતરામાંથી બહાર કાઢવા પૂરી રીતે મદદ કરશે.

