કર્ણાટકમાં સાયક્લોન ‘ક્યાર’નો ખતરો વધી રહ્યો છે. હવામાન વિબાગ તરફથી જાહેર કરવામાં આવેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, આ તોફાન આગામી કેટલાંક કલાકોમાં ભારતીય દરિયા કિનારે ટકરાશે. હવામાન વિભાગ અનુસાર તોફાન આગળ વધવાની સાથે-સાથે વધારે મજબૂત બનતું જાય છે.
કર્ણાટકના દરિયા કિનારે તોફાન આવવાની આશંકાને જોતા રાજ્ય સરકારે સંભવિત વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અધિકારીએ જણાવ્યું કે, પશ્ચિમ તરફ વધી રહેલા ચક્રાવાતી તોફાન ‘ક્યાર’ ભારે વરસાદ અને તેજ હવા સાથે રાજ્યના દરિયા કિનારે ટકરાશે અને બે દિવસ સુધી જનજીવનને અસર કરશે. રાજ્ય સરકારે દક્ષિણ કન્નડ, ઉડિપી અને ઉત્તર કન્નડના દરિયા કિનારે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાત પર આ તોફાનનું કોઇ જોખમ વર્તાઇ રહ્યું નથી પણ વાવાઝોડાના કારણે રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે-સાથે અમુક વિસ્તારોમાં માવઠુ પડવાની શક્યતા છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ વધી શકે છે અને માછીમારોને પણ દરિયાથી દૂર રહેવાની ચેતવણી અપાઇ છે.
દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદિની પણ શક્યતા છે. હજુ ઘણા અંતરે હોવા છતાં આ ચક્રવાતી વાવાઝોડાની અતિ તીવ્ર ગતિના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે.
સાયક્લોનની અસરના લીધે આગામી ચાર દિવસ દરમિયાન ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વલસાડ,નવસારી દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જુનાગઢમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે રાજકોટમાં સવારથી જ આકાશ વાદળછાયું થયું હતુ.

