અમેરિકાએ ભારતને જણાવ્યું છે કે તે H-1B વિઝાને મર્યાદિત કરવા વિચારી રહ્યું છે. વિદેશી કંપનીઓને તેમનો ડેટા સ્વદેશમાં જ રાખવાને મામલે અમેરિકા વિઝા મર્યાદા લાદવા વિચારણા કરી રહ્યું છે. આ બાબતથી વાકેફ ત્રણ સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયે વેપાર શુલ્કને લઈને બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં આ નવો ફણગો સાબિત થશે.
ભારતીયોમાં લોકપ્રિય એવા અમેરિકાના H-1B વિઝા પર મર્યાદાથી ભારતની આઈટી કંપનીઓને સૌથી વધુ ફટકો પડી શકે છે. દર વર્ષે યુએસ દ્વારા સ્કીલ્ડ વિદેશી કામદારોને આ વિઝા આપવામાં આવે છે. આ મુદ્દો એવા સમયે સપાટી પર આવ્યો છે જ્યારે થોડા દિવસોમાં અમેરિકાના વિદેશ સચિવ માઈક પોમ્પીઓ ભારતની મુલાકાતે આવી રહ્યા છે.
તાજેતરમાં જ અમેરિકાએ ભારત માટેનો જીએસપી (જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરેન્સિસ) દરજ્જો નાબૂદ કર્યો હતો તેમજ ભારતે ગત સપ્તાહે અમેરિકાથી આયાત કેટલીક ચીજવસ્તુઓ પર વધુ આયાત ડ્યુટી લાદી હતી. આ બન્ને દેશો વચ્ચે વધુ પડતી આયાત ડ્યુટીના મામલે વિવાદ જામ્યો છે ત્યારે H-1B વિઝાથી બન્ને દેશોના સંબંધોનો ખાડો વધુ ઊંડો થવાની ભીતિ રહેલી છે.
ભારત સરકારના બે વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે તેમને યુએસ સરકાર તરફથી H-1B વિઝા પર મર્યાદા અંગે માહિતી મળી હતી. હાલમાં પ્રતિ વર્ષ 85 હજાર H-1B વિઝા અમેરિકા દ્વારા આપવામાં આવે છે અને તે પૈકી 75% વિઝા ભારતીય કર્મચારીઓને આપવામાં આવે છે.

